<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કચ્છના નલીયા ખાતે ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે 'ગુજરાત એક્શન પ્લાન' કર્યો જાહેર : ૧૧ ચોરસ કિલોમીટર ઘાસભૂમિનું પુનઃસ્થાપન અને નારાયણ સરોવર વિસ્તાર માટે ચિત્તા પ્રોજેક્ટ બસોને લીલી ઝંડી દર્શાવી : જુઓ વિડીયો

લાલા-રવા લેન્ડસ્કેપમાં ઘોરાડની વસ્તી ૩૦થી વધુ કરવાનો લક્ષ્યાંક : રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્યો અનિરુદ્ધ દવે તથા પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

વિનોદ ગાલા દ્વારા, ભુજ: ભારતમાં લુપ્તપ્રાય થઈ રહેલ અને કચ્છમાં વસવાટ કરતા મહત્ત્વપૂર્ણ ઘોરાડ (Great Indian Bustard-GIB) પક્ષીના સંરક્ષણ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની કચ્છ મુલાકાત દરમિયાન વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) અને ગુજરાત વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ ‘ગુજરાત એક્શન પ્લાન ફોર GIB કન્ઝર્વેશન’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કચ્છના નલીયા વિસ્તારમાં ઘોરાડ સંરક્ષણ, ઘાસભૂમિ પુનઃસ્થાપન તથા વન્યજીવ સંરક્ષણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ મુલાકાત વેળાએ કેન્દ્રીય વન મંત્રી સાથે ગુજરાતના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો અનિરુદ્ધ દવે અને પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ કેન્દ્રીય મંત્રાલય, ગુજરાત વન વિભાગ અને WII ના વરિષ્ઠ અધિકારીઓ તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૧૧ ચોરસ કિલોમીટર ઘાસભૂમિનું પુનઃસ્થાપન:
નલીયા વિસ્તારમાં ઘોરાડના કુદરતી રહેઠાણને પુનઃજીવિત કરવા માટે આક્રમક વિદેશી વનસ્પતિ ‘ગાંડા બાવળ’ (Prosopis juliflora) દૂર કરીને આશરે ૧૧ ચોરસ કિલોમીટર ઘાસભૂમિનું સફળ પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વન્યજીવોને શિકારી પ્રાણીઓથી સુરક્ષા આપવાના હેતુથી આશરે ૧૫ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેતી ૩૦ કિલોમીટર લાંબી પ્રિડેટર-પ્રૂફ ફેન્સિંગ પણ ઉભી કરવામાં આવી છે.

વસ્તી ૩૦થી વધુ કરવાનો લક્ષ્યાંક:
નવા જાહેર કરાયેલા ‘ગુજરાત એક્શન પ્લાન’ અંતર્ગત કચ્છના લાલા-રવા લેન્ડસ્કેપમાં ઘોરાડની વસ્તી લઘુત્તમ ૩૦થી વધુ કરવાનો સ્પષ્ટ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે ૨૦૦થી ૫૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારના સંરક્ષણ અને અસરકારક વ્યવસ્થાપન પર વિશેષ ભાર મુકાયો છે.

ઇકોસિસ્ટમ સંરક્ષણ અને જમ્પસ્ટાર્ટ અભિગમ:
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વન્યજીવ સંરક્ષણ માત્ર એક પ્રજાતિને બચાવવા પૂરતું મર્યાદિત ન રહેતાં સમગ્ર ઇકોસિસ્ટમ અને લેન્ડસ્કેપના પુનઃસ્થાપન તરફ આગળ વધવું જરૂરી છે. ઘોરાડનું સંરક્ષણ એટલે કચ્છની ઓપન નેચરલ ઇકોસિસ્ટમનું રક્ષણ કરવું, જે ખડમોર, ચિંકારા, રણબિલાડી અને ગીધ જેવા વન્યજીવો માટે પણ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ગુજરાતના સંયુક્ત ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ હેઠળ કચ્છમાં લાંબા સમય બાદ ઘોરાડના બચ્ચાના જન્મની નોંધપાત્ર સફળતા મળી છે.

આ પ્રસંગે કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં આકાર લઈ રહેલા ચિત્તા પ્રોજેક્ટ માટેની બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

(2:51 PM IST)