<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ગરવા ગિરનારની લીલી પરિક્રમાને ‘પર્યાવરણ તીર્થયાત્રા’ બનાવવા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું ભાવભર્યું આહ્વાન

‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે એશિયાટિક સિંહોના નિવાસસ્થાન સમા ગિરનારના જંગલને પ્લાસ્ટિકમુક્ત રાખવા અને ઓછા વરસાદને પગલે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા લાખો શ્રદ્ધાળુઓને અનુરોધ

જૂનાગઢ: સૌરાષ્ટ્રની શાન અને જૂનાગઢની સાંસ્કૃતિક ઓળખ સમાન પવિત્ર ગરવા ગિરનારની લીલી પરિક્રમાના પાવન અવસરે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ દેશ-વિદેશ અને ગુજરાતભરમાંથી ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આસ્થાના આ મહાપર્વને સ્વચ્છ, પ્લાસ્ટિકમુક્ત અને પ્રકૃતિમય બનાવીને તેને ‘પર્યાવરણ તીર્થયાત્રા’નું સ્વરૂપ આપવા તેમણે તમામ યાત્રાળુઓને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે.

પૌરાણિક મહત્વ અને ૩૬ કિલોમીટરની અદ્ભુત વનરાજી યાત્રા:
ગિરનારની લીલી પરિક્રમાના ભવ્ય ઇતિહાસને યાદ કરતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે પૌરાણિક માન્યતાઓ મુજબ મહાભારત કાળમાં પાંડવોએ પણ આ પરિક્રમા કરી હતી અને ભગવાન કૃષ્ણના પાવન પગલાં પણ આ ભૂમિ સાથે જોડાયેલા છે. ચોમાસાની વિદાય બાદ કારતક માસમાં ગિરનારની વનરાજી નવપલ્લવિત બની ખીલી ઊઠે છે, ત્યારે ભવનાથ તળેટીથી શરૂ થઈ માળવેલા અને બોરદેવી જેવા પવિત્ર સ્થળોનો ૩૬ કિલોમીટરનો જંગલમાર્ગ પસાર કરી ફરી ભવનાથ પહોંચતી આ પરિક્રમા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની છે.

સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક:
આ પરિક્રમાને સામાજિક સમરસતાનું પ્રતીક ગણાવતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે દુર્ગમ જંગલમાર્ગો પર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સેંકડો સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા ચાલતા અન્નક્ષેત્રો, ચા-પાણી અને મેડિકલ કેમ્પની સેવાઓ ગુજરાતની ‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં અમીર-ગરીબ કે ઊંચ-નીચના તમામ ભેદભાવ ભૂલીને લાખો લોકો એક જ ભાવનાથી જોડાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર હેઠળ અયોધ્યામાં ભવ્ય રામમંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, સોમનાથ અને પાવાગઢ જેવા તીર્થધામોનો કાયાકલ્પ કરીને સનાતન ધરોહરને નવી ઓળખ અપાઈ છે.

સિંહોના નિવાસસ્થાનની સુરક્ષા અને પાણીની કરકસર પર ભાર:
ગિરનાર એશિયાટિક સિંહો સહિત દુર્લભ વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન હોવાનું જણાવતા ડૉ. માંડવિયાએ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક કે અન્ય કચરો ન ફેંકવા અને વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવા અપીલ કરી છે. આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તેમજ વડાપ્રધાનના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને ગિરનારની ભૂમિ પર સાકાર કરવા સૌને સામૂહિક જવાબદારી નિભાવવા તેમણે જણાવ્યું છે. અંતમાં તેમણે ભગવાન દત્તાત્રેય, માતા અંબા અને ગિરનાર પર બિરાજમાન સંતો-મહંતોના ચરણોમાં વંદન કરીને આ પવિત્ર યાત્રા દરેક પદયાત્રીના જીવનમાં નવી આશા, નિરોગી સ્વાસ્થ્ય, નવી ઊર્જા અને પરમ શાંતિનો સંચાર કરે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:04 PM IST)