તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સુરેન્દ્રનગર ૬૦ ફૂટ આઇકોનિક રોડના અધૂરા કામ મુદ્દે અનોખો વિરોધ
ત્રણ મહિનાની ટાઈમલાઇન પિરિયડના બે વર્ષ થયા કામ પૂરું ન થતા વેપારીઓ વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૦: સુરેન્દ્રનગર શહેરના પ્રથમ આઇકોનિક રોડ ૬૦ ફૂટ નો રોડ જાહેર કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે વર્ષથી આ ૬૦ ફૂટના રોડ અને આઇકોનિક બનાવવા અંગેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે તે છતાં પણ કામગીરી પૂર્ણ નથી થઈ રહી જે સમયે સુરેન્દ્રનગરના પ્રભારી મંત્રી મુળુ બેરા હતા તે દરમિયાન આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હવે તો મંત્રી પણ બદલાઈ ગયા અને પ્રભારી મંત્રી પણ બદલાઈ ગયા પણ આ રોડનું કામ હજુ પૂરું નથી થયું ત્રણ મહિનાની ગાઈડ લાઈનમાં ૩.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું નિર્માણ થવાનું હતું અને આઇકોનિક રોડ પ્રથમ સુરેન્દ્રનગરનો બનવાનો હતો પરંતુ હવે શહેરીજનો એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે સુરેન્દ્રનગરનો પ્રથમ આઇકોનિક રોડનું કામ પૂરું થાય છે.
તંત્ર દ્વારા બજેટમાં વધારો પણ કરવામાં આવ્યો ૩.૬૦કરોડ રૂપિયાનું કામ હતું તેનું ૬.૧૦ કરોડ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું પરંતુ તે છતાં પણ કોન્ટ્રાક એજન્સીઓ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી હાલ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે રોડનું કામ પૂરું ન થયું હોવાના કારણે ૩૦૦ થી વધુ દુકાનદારો પરેશાન બની રહ્યા છે આજુબાજુમાં હોસ્ટેલો શાળાઓ કોલેજો આવેલી છે ત્યાં અભ્યાસ કરતા ૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ રોજ ખરાબ રોડ રસ્તાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકામાં સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી. જે આઇકોનિક રોડ બનાવવાના હતા તે દરમિયાન થાંભલાઓમાં ફેરફાર કરવામાં આવ્યા નવા થાંભલાઓ નાખવામાં આવ્યા પરંતુ તેની ઉપર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઉપલબ્ધ નથી એટલે રાત્રે અહીંથી મહિલાઓ યુવતીઓને પસાર થવું હોય તો તેમને ડરના માહોલ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે. આ ઉપરાંત આઇકોનિક રોડમાં ફૂટપાથ બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો પરંતુ બંને બાજુએ ખોદકામ કરવામાં આવ્યું અને કામ તો શરૂ કરવામાં આવ્યું પણ આ કામ અધૂરું મૂકી દેવામાં આવ્યા હોવાનો ઘાટ થઈ ગયો છે એટલે દુકાનદારોને હાલાકી પડી રહી છે અને દુકાનોમાં ગ્રાહકો આવે ત્યારે પણ સમસ્યાઓ સર્જાઇ રહી છે.
બંને બાજુએ ખોદકામ કરી અને રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે ધૂળ ઉડી રહી છે વેપારીઓને મોઢે રૂમાલ બાંધી અને ધંધો કરવા માટે મજબુર બની રહ્યા છે અને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓનો પણ આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે આ રોડ ઉપર બે પૂર્વ ધારાસભ્યોના રહેણાંક મકાનો આવેલા છે તે છતાં પણ મહાનગરપાલિકા નું તંત્ર આ કામગીરી પૂર્ણ કરી રહ્યું નથી. કોન્ટ્રાક્ટર પણ બે વખત બદલાઈ ગયા તે છતાં પણ કામગીરી પૂર્ણ નથી થઈ ત્યારે હવે સુરેન્દ્રનગર શહેરના યુવકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને યુવકો પોતાના લાઉડ સ્પીકર સાથે હનુમાન ચાલીસા વગાડી અને લોકોને જગાડવાનો પ્રયત્ન હાથ ધર્યો છે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી રોડની પૂરી કરવામાં આવે તે અંગે ઉપર સુધી રજૂઆત કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે હનુમાન ચાલીસા સાથે લોકોના મંતવ્ય પણ જાણવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓને રજુઆત પણ કરવામાં આવી રહી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
