તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
આગામી ચોમાસું ૧૨ આની રહેવાની આગાહી : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો: : જૂનના બીજા-ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનો પ્રારંભ, જુલાઈ મધ્ય અને ઓગસ્ટ શરૂઆતે અતિવૃષ્ટિની શક્યતા, ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં વિદાયનો અંદાજ
ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે ઘણા આગાહીકારો પોતાની કોઠાસૂઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ :વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૬ યોજાયો હતો. આ પરિસંવાદમાં રાજ્યભરના ૫૦ જેટલા આગાહીકારોએ પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન રજૂ કર્યા હતા. તમામ આગાહીઓના નિચોડ રૂપે આગામી ચોમાસું ૧૨ આની એટલે કે સામાન્યથી સારું રહેવાની આગાહી કરવામાં આવી છે.
પરિસંવાદનું ઉદ્દઘાટન કરતાં અધ્યક્ષ જેરામભાઈ ટીંબડીયાએ જણાવ્યું હતું કે ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે. આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. ઘણા આગાહીકારો પોતાની કોઠાસૂઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવા છેલ્લા ૩૧ વર્ષથી કાર્યરત મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવા જરૂરી છે.
પરિસંવાદના મુખ્ય તારણો
1.ચોમાસાનો પ્રારંભ : જૂન માસના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં ચોમાસું બેસે તેવું અનુમાન છે.
2.અતિવૃષ્ટિ: જુલાઈના મધ્યમાં અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
3.ચોમાસાની વિદાય: ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.
4. એકંદરે વર્ષ: ૧૨ આની વરસાદ સાથે વર્ષ સારું રહેશે.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડૉ. એન. બી. જાદવે જણાવ્યું કે દર વર્ષે ચોમાસા પહેલા આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે. આગાહીકારો પોતપોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે ચર્ચા કરી વધુ સચોટ આગાહી કરવાની ક્ષમતા કેળવે છે. આ આગાહીઓ ખેડૂતોને પાક આયોજનમાં ઉપયોગી થશે.
ડૉ. પી. આર. કાનાણી અને ડૉ. જે. ડી. ગુંદાળીયાએ ભડલી વાક્યો, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરિબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટાના આધારે પૂર્વાનુમાન માટે મહેનત કરતા આગાહીકારોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમમાં ડૉ. એચ. એમ. ગાજીપરા, મોહનભાઈ દલસાણીયા અને ડૉ. જી. આર. ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડૉ. એચ. સી. છોડવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ડૉ. એમ. વી. પોકારે આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીએ જહેમત ઉઠાવી હતી, એમ વર્ષા વિજ્ઞાન મંડળ અને વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
