<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ઉપલેટાઃ પેટ્રોલ-ડીઝલનો જરૂર પૂરતો ઉપયોગ કરવાની વડાપ્રધાન મોદીની અપીલને જિલ્‍લા ભાજપે આવકારી

અલ્‍પેશભાઈ ઢોલરીયા, રવિભાઈ માકડીયા અને દીપકભાઈ સુવાએ કહ્યું ‘બચત, સંયમ અને જવાબદારી આજના સમયની સાચી રાષ્ટ્ર સેવા', બિનજરૂરી વાહન વપરાશ ઘટાવવા કરી અપીલ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૨૨: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો ખપ પૂરતો જ કરવા કરેલી અપીલને રાજકોટ જિલ્‍લા ભાજપ દ્વારા આવકારવામાં આવી છે. જિલ્‍લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી રવિભાઈ માકડીયા તથા ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવાએ સંયુક્‍ત નિવેદનમાં જણાવ્‍યું કે બચત, સંયમ અને જવાબદારી આજના સમયની સાચી રાષ્ટ્ર સેવા છે.

નેતાઓએ જણાવ્‍યું કે વૈશ્વિક સ્‍તરે મધ્‍ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધના તણાવ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઊર્જા સંકટ વચ્‍ચે વડાપ્રધાનની આ અપીલ માત્ર આર્થિક નહીં પરંતુ પર્યાવરણ અને આરોગ્‍યની દ્રષ્ટિએ પણ અત્‍યંત મહત્‍વપૂર્ણ બની છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતનો મોટો હિસ્‍સો આયાત પરથી પૂર્ણ કરે છે. જ્‍યારે ક્રૂડ ઓઇલ મોંઘુ બને છે ત્‍યારે તેની સીધી અસર સામાન્‍ય નાગરિકના જીવન પર પડે છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્‍ડર અને પરિવહન ખર્ચમાં વધારો થવાથી મોંઘવારી વધી જાય છે અને ખેતીથી લઈને ઉદ્યોગ સુધી દરેક ક્ષેત્રમાં તેની અસર અનુભવાય છે.

 સંયુક્‍ત નિવેદનમાં જણાવાયું કે આજે સમય આવી ગયો છે કે દરેક નાગરિક પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી વપરાશ ઘટાડે અને પ્રકૃતિ પ્રેમી જીવનશૈલી અપનાવે. દરેક ટીપું પેટ્રોલ અને ડીઝલ બચાવવું એટલે દેશની સંપત્તિ બચાવવી. જો નાગરિકો અનાવશ્‍યક વાહન વપરાશ ઘટાડે, ટૂંકા અંતરે ચાલીને અથવા સાયકલથી જાય અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરે તો દેશનો કરોડો રૂપિયાનો ઇંધણ ખર્ચ બચાવી શકાય.

ભાજપ અગ્રણીઓએ ચિતા વ્‍યક્‍ત કરી કે આજે શહેરોમાં માત્ર દેખાડા અને સુવિધા માટે નાના અંતરે પણ વાહનોનો ઉપયોગ વધી ગયો છે. એક વ્‍યક્‍તિ એકલા કારમાં મુસાફરી કરે છે જેના કારણે ઈંધણનો વ્‍યય ઉપરાંત ટ્રાફિક અને પ્રદૂષણ બંને વધે છે. જો સમાજ સંયમિત જીવનશૈલી અપનાવે તો ઊર્જા બચત સાથે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપી શકે છે. આ અપીલ દેશને આત્‍મનિર્ભર અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્‍વપૂર્ણ પગલું છે. (તસવીરઃ ભોલુ રાઠોડ, ઉપલેટા) 

 

(11:07 AM IST)