તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 18th April 2026
ગીર સોમનાથના ‘મહિલા શાસિત’ ગામમાં બળવો: બાદલપરાની નારી શક્તિએ રાહુલ ગાંધીનું પૂતળું ફૂંક્યું, મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ સામે જંગ!
જ્યાં છેલ્લા 25 વર્ષથી ચાલે છે ‘નારી રાજ’, ત્યાં ગુંજ્યો વિરોધનો સૂર: "મહિલાઓના હક્ક સાથે ગંદા રાજકારણનો ખેલ હવે નહીં ચાલે", આદર્શ ગામની જાગૃત મહિલાઓનો પ્રચંડ આક્રોશ

બાદલપરા (ગીર સોમનાથ) : ગીર સોમનાથ જિલ્લાનું બાદલપરા ગામ, જે તેની 100 ટકા મહિલા નેતૃત્વવાળી પંચાયત માટે આખા રાજ્યમાં મશહૂર છે, ત્યાં આજે રાષ્ટ્રીય રાજકારણના ગરમાવા વચ્ચે એક આક્રમક દ્રશ્ય જોવા મળ્યું હતું. મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડતા આ ગામની મહિલાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અને તેમના પૂતળાનું દહન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
33 ટકા મહિલા અનામત મુદ્દે ફાટી નીકળ્યો રોષ
બાદલપરા ગામની વિશેષતા એ છે કે અહીં છેલ્લા અઢી દાયકાથી પંચાયતનું સંપૂર્ણ સંચાલન માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. આ જાગૃત મહિલાઓનું માનવું છે કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને મળતું 33 ટકા અનામત એ નારી શક્તિના ઉત્થાન માટે અનિવાર્ય છે. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષો દ્વારા આ બિલમાં કરવામાં આવતા વિલંબ અને રાજકીય કાવાદાવાઓને કારણે દેશની સામાન્ય નારી અન્યાયનો ભોગ બની રહી છે.
"ગંદા રાજકારણનો સ્વીકાર્ય નથી" - મહિલાઓનો હુંકાર
પૂતળા દહન દરમિયાન મહિલાઓએ ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અમે અહીં ગામમાં સાબિત કરી દીધું છે કે મહિલાઓ શાસન ચલાવવામાં સક્ષમ છે. તો પછી દેશના સર્વોચ્ચ ગૃહમાં અમને સ્થાન આપવામાં રાજકારણ કેમ રમાય છે?" મહિલાઓએ રાહુલ ગાંધીના વલણને વખોડતા કહ્યું કે મહિલાઓના હક્ક સાથે રમાતી ગંદી રાજનીતિ હવે સહન કરવામાં આવશે નહીં.
રાજ્યભરમાં નારી શક્તિની જાગૃતિની ચર્ચા
જ્યારે એક આદર્શ અને સંપૂર્ણ મહિલા સંચાલિત ગામ દ્વારા રાષ્ટ્રીય સ્તરના નેતાનો આ પ્રકારે વિરોધ કરવામાં આવે, ત્યારે તેની ગુંજ છેક દિલ્હી સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા પર પણ બાદલપરાની મહિલાઓના આ આક્રમક તેવરની તસવીરો વાયરલ થઈ રહી છે. ગીર સોમનાથના આ નાનકડા ગામ દ્વારા આપવામાં આવેલો આ સંદેશ સ્ત્રી શક્તિની જાગૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
તાપીના ઉચ્છલમાં DyCM હર્ષ સંઘવીએ કરેલા પ્રહારો બાદ હવે ગીર સોમનાથના ગ્રામીણ વિસ્તારોમાં પણ મહિલા અનામતનો મુદ્દો ગાજતા આગામી ચૂંટણીઓમાં આ વિષય નિર્ણાયક બને તેવા પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
