News of Saturday, 25th April 2026
વાંકાનેરની ઓળગામ બેઠક પર ભાજપના સંમેલનમાં હોબાળોઃ કોળી યુવાનોનો વિરોધ, આગેવાનોએ સભા છોડવી પડી
અપક્ષ ઉમેદવારના સમર્થકો વિફર્યોઃ સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ ઉધરેજાની ઉપસ્થિતિમાં નારેબાજી થતાં મામલો ગરમાયો

વાંકાનેરઃ તાલુકા પંચાયતની ઓળગામ બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આયોજિત કોળી સમાજના એક સંમેલનમાં નારાજ યુવાનોએ 'જય માંધાતા' ના નારા સાથે હોબાળો મચાવતા રાજ્યસભાના સાંસદ સહિતના નેતાઓએ સભા અધવચ્ચે છોડવાની ફરજ પડી હતી. ટિકિટ ન મળતા અપક્ષ લડી રહેલા ઉમેદવારના સમર્થકોના આ વિરોધને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
આવતીકાલે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે વાંકાનેર પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. વાંકાનેર તાલુકા પંચાયતની ઓળગામ બેઠક પર શાસક પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારના ભાગરૂપે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારે વિવાદનું કારણ બન્યું છે. વિપક્ષો અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે શાસક પક્ષ દ્વારા આ ચૂંટણીમાં સામાજિક સમરસતાને બદલે જ્ઞાતિ આધારિત સમીકરણો અને ભાગલા પાડવાની નીતિ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓળગામ બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને વાંકાનેર વિધાનસભા બેઠક પર નજર રાખી રહેલા (જેમનું રાજકોટ કોળી સમાજમાં ખાસ પ્રભુત્વ ન હોવાની પણ સ્થાનિક ચર્ચા છે) તેવા આગેવાન બાબુ ઉધરેજાની ઉપસ્થિતિમાં કોળી સમાજની એક સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં પાર્ટીના આગેવાનો દ્વારા માત્ર કોળી ઉમેદવારને મત આપવાની અપીલ કરવામાં આવતા જ હોબાળો મચી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓળગામ બેઠક પરથી અગાઉ વર્ષો સુધી કાળુભાઈ કાંકરેચા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા આવ્યા છે. જોકે, આ વખતે પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયાની દરમિયાનગીરીના આક્ષેપો વચ્ચે કાળુભાઈને ટિકિટ ન મળતા, તેમના પુત્ર ભરત કાંકરેચા આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
ભાજપ તરફી આ જ્ઞાતિ સંમેલનની જાણ થતાં જ અપક્ષ ઉમેદવારના સમર્થક એવા કોળી સમાજના યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો સભાસ્થળે પહોંચી ગયા હતા અને પક્ષ વિરુદ્ધ નારેબાજી શરૂ કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ જય માંધાતાના નારા લગાવીને સ્ટેજ સુધી ધસી જવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. યુવાનોનો આ મિજાજ અને મામલો વધુ બિચકતો જોઈને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ ઉધરેજા અને અન્ય આગેવાનોએ સભા અધવચ્ચેથી જ પડતી મૂકીને ત્યાંથી રવાના થવું પડ્યું હતું.
ચૂંટણીના અંતિમ તબક્કામાં જ્ઞાતિ આધારિત સંમેલન અને તેમાં થયેલા આ હોબાળાને પગલે વાંકાનેર પંથકના કોળી સમાજમાં અને સમગ્ર સ્થાનિક રાજકારણમાં ઘેરા પડઘા પડ્યા છે.(૩૮.૩૧)
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
