News of Saturday, 12th September 2026
ભાવનગર પોલીસબેડામાં ખળભળાટ: લઠ્ઠાકાંડ બાદ જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયનો મોટો સપાટો, ૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીથી ભારે હલચલ
મહુવા, પાલીતાણા, સિહોર અને બોરતળાવ સહિતના મહત્ત્વના પોલીસ મથકોના પીઆઈ બદલાયા: કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અને વહીવટી શિસ્ત જાળવવા પ્રશાસનનું કડક પગલું

ભાવનગર : ભાવનગર જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલા ચર્ચાસપદ લઠ્ઠાકાંડના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા (SP) નીતેશ પાંડેય દ્વારા પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતા એક જ આદેશમાં જિલ્લાના કૂલ ૮ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. આ સમૂહ બદલીઓને કારણે સ્થાનિક પોલીસ વિભાગમાં ભારે હલચલ અને ખળભળાટ મચી ગયો છે.
જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.કે. સોલંકીની વરતેજ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે પાલીતાણાના પીઆઈ બી.એમ. કરમટાને મહુવા ખાતેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ગારીયાધારથી આર.ડી. રબારીને પાલીતાણા, સોનગઢથી જે.આર. દેસાઈને સિહોર અને સિહોરના કે.એ. ગઢવીને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાલીતાણા ટાઉનના એસ.બી. મુસારની ગારીયાધાર ખાતે અને લીવ રિઝર્વમાં રહેલા જે.આર. ગોરને સોનગઢ પોલીસ મથકના પીઆઈ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ બદલીઓમાં સૌથી મોટું આશ્ચર્યજનક અને મહત્ત્વનું પગલું બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ એચ.બી. ચૌહાણની બદલી અંગેનું છે. તેમને ત્યાંથી હટાવીને સીધા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) માં સ્થાન આપવામાં આવ્યું છે. લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા, ગુનાખોરી ડામવા અને પોલીસ પ્રશાસનને વધુ કાર્યક્ષમ તથા ઉત્તરદાયી બનાવવા માટે આ સઘન ફેરફારો અનિવાર્ય બન્યા હતા.
વિશ્લેષકોના મતે, આ કડક પગલાં દ્વારા એસપી નીતેશ પાંડેયે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ફરજમાં બેદરકારી કે લાપરવાહી જરાય ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં આ નવા વહીવટી માળખા સાથે ભાવનગર પોલીસ ગુનાખોરી પર લગામ કસવા અને જનતામાં સુરક્ષાની ભાવના દ્રઢ કરવા માટે વધુ સક્રિય બને તેવી પૂરી સંભાવના છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
