<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

આટકોટના જીવાપરમાં ધોકા ફટકારી અરવિંદની હત્‍યા

નવા ઘરેથી ગામમાં આવેલા જુના ઘરે ચાલીને જતો હતો ત્‍યારે પાદરમાં ગોલાની રેંકડીએ ઉભેલા હરેશે બોલાવી ઝઘડો કરી ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધોઃ હત્‍યાનો ભોગ બનનાર ખેત મજુરી કરી ગુજરાન ચલાવતો હતોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ હુમલાખોર નશાની હાલતમાં ગમે તેના પર હુમલા કરતો હોવાનો આક્ષેપ!

રાજકોટ તા. ૨૧: રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારમાં હત્‍યાની વધુ એક ઘટના બની છે. જેમાં જસદણના આટકોટ તાબેના જીવાપરમાં રહેતાં અને ખેત મજૂરી કરતાં પાંત્રીસ વર્ષના દેવીપૂજક યુવાનને તે સાંજે પ્‍લોટ વિસ્‍તારમાં આવેલા પોતાના નવા ઘરેથી ગામમાં આવેલા જુના મકાને ચાલીને જતો હતો ત્‍યારે ગામના પાદરમાં જ ગોલાની રેંકડીએ ઉભેલા શખ્‍સે ગાળાગાળી કરી તેના પર ધોકાથી હુમલો કરી આડેધડ ઘા ફટકારતાં ઘટના સ્‍થળે જ તેનું મોત થઇ ગયું હતું. મૃતદેહને પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી તપાસ હાથ ધરી છે. જુના મનદુઃખને લીધે  આ માથાકુટ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ આટકોટના જીવાપરમાં રહેતો અરવિંદભાઇ લાખાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) નામનો દેવીપૂજક યુવાન સાંજે સાડા પાંચેક વાગ્‍યે ગામના પાદરમાં હનુમાન દાદાની ડેરી નજીક વિપુલ ગોલાવાળાની લારી પાસે હતો ત્‍યારે ગામના જ હરેશ કોળીએ ઝઘડો કરી લાકડાના ધોકાથી હુમલો કરી આડેધડ ઘા ફટકારી દેતાં ગંભીર ઇજા થઇ હતી અને તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં આટકોટ પોલીસ પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો.

હત્‍યાનો ભોગ બનનાર અરવિંદભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો અને બીજાનું ખેતર વાવી મજુરી કરતો હતો. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પરિવારજનોએ કહ્યું હતું કે અરવિંદભાઇ સાંજે પ્‍લોટ વિસ્‍તારના નવા ઘરેથી ગામમાં આવેલા જુના ઘરે જવા નીકળ્‍યો હતો. તે ચાલીને જતો હતો ત્‍યારે પાદરમાં ગોલાવાળાની લારીએ હરેશ કોળી ઉભો હોઇ જુના ખારને લીધે કે પછી નશાની હાલતમાં તેણે અરવિંદભાઇને ઉભો રાખી ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. અરવિંદભાઇએ ગાળો બોલવાની ના પાડતાં તે વધુ ઉશ્‍કેરાઇ ગયો હતો અને ધોકાથી હુમલો કરી ફટકા મારી દેતાં અરવિંદભાઇ ઢળી પડયો હતો અને મોત થયું હતું. આ શખ્‍સ નશાની હાલતમાં ગમે તેના પર હુમલા કરી લેવાની ટેવ ધરાવતો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. પોસ્‍ટમોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. આ બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:08 AM IST)