<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

જામનગર ભાજપમાં “વખાર રાજકારણ” ગરમાયું, વફાદાર કાર્યકરો સાઇડલાઇન

ટિકિટ વિતરણમાં 36 જૂના ઉમેદવારો બદલાયા, નવા ચહેરાઓને પ્રાથમિકતા: આંતરિક અસંતોષની ચર્ચા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૪ : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો છે. ટિકિટ વિતરણમાં કરાયેલા મોટા પાયે ફેરફારોને કારણે “વખાર” શબ્દ હવે શહેર ભાજપની અંદર જોરદાર રાજકીય સંકેત બની ગયો છે અને તે પ્રકારે કટાક્ષમાં રમૂજ પેદા કરવામાં આવી રહી છે.

 

પાર્ટી દ્વારા આ વખતે જૂના, વફાદાર અને વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા વરિષ્ઠ કાર્યકરોને એકતરફ રાખીને મોટા પાયે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જેના કારણે ઘણા કાર્યકરોમાં એવી લાગણી વ્યાપી રહી છે કે તેમને “વખારમાં મૂકી દેવાયા” છે એટલે કે રાજકીય રીતે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. પાર્ટીએ માત્ર વયસ્ક કાર્યકરોને જ નહીં, પરંતુ સરકાર કે સંગઠન સાથે જોડાયેલા કાર્યકરોના પરિવારજનોને પણ ટિકિટથી દૂર રાખ્યા છે. પરિણામે, પાર્ટીમાં વર્ષોથી મહેનત કરનારા ઘણા કાર્યકરોમાં ક્યાંક છાના ખૂણે નારાજગી દેખાઈ રહી છે. પરંતુ વોર્ડ નંબર 4 ને બાદ કરતાં જાહેરમાં બળવો વગેરે જોવા મળ્યો નથી.

 

આંકડાઓ ચોંકાવનારા છે. ગત ચૂંટણીમાં ભાજપના 50 ઉમેદવારોમાંથી આ વખતે 36 ઉમેદવારોને બદલી નાખવામાં આવ્યા છે, જ્યારે 16 બેઠકો પર અન્ય પક્ષમાંથી જીતેલા ઉમેદવારો અને ભાજપના 16 હારેલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આટલા મોટા પ્રમાણમાં થયેલા ફેરફારોને કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષની ચર્ચાઓ તેજ બની છે. ટિકિટ મેળવવા માટે 80 થી વધુ કાર્યકરોએ દાવેદારી કરી હતી ત્યારે 64 બેઠકોની ફાળવણી પછી ટિકિટ ન મળેલા કેટલાક કાર્યકર્તાઓ પ્રચાર કાર્યથી અલિપ્ત થઈ ગયેલા જોવા મળે છે જે નારાજગીનો સંકેત આપે છે. જોકે કેટલાક પાયાના કાર્યકરો પોતાની નારાજગી દબાવીને ચૂંટણી પ્રચાર કાર્યમાં જોડાઈ ગયેલા પણ જોવા મળે છે.

 

રાજકીય નિરીક્ષકોના મતે, ભાજપનો આ નિર્ણય “જનરેશન શિફ્ટ” તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન પર વાસ્તવિકતા એ છે કે જૂના અને પાયાના કાર્યકરોને પ્રાથમિકતામાંથી દૂર રાખવામાં આવ્યા છે. જેના કારણે ચૂંટણી પહેલાં જ આંતરિક ગૃપબાજી અને નિષ્ક્રિયતા જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં.

 

હાલ શહેર ભાજપમાં “વખાર રાજકારણ” શબ્દ માત્ર ચર્ચા નથી, પરંતુ એક પ્રકારની અસંતોષની લાગણીનું પ્રતિબિંબ અને રમૂજનો શબ્દ બની રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ આંતરિક અસંતોષ ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પાડે છે, કે જામનગરના મતદારો સતત 7મી વખત ભાજપને સત્તાનું સુકાન સોંપે છે.

(9:30 AM IST)