તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન : એક જ છત નીચે સરકારી યોજનાઓના લાભ વિતરણ સાથે આરોગ્ય તપાસ અને વૃક્ષારોપણનો ભવ્ય સંગમ
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે સેંકડો લાભાર્થીઓને વિવિધ યોજનાના હુકમોનું વિતરણ કરાયું, 'ઘરબેઠા લોકોના દ્વાર સુધી સરકાર'ની ભાવના સાથે ગ્રામજનોને મળી સરળતા અને ઝડપી સેવા*

ભાવનગર તા.૧૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ 'જનકલ્યાણ શિબિર' યોજવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ શૃંખલાના ભાગરૂપે ભાવનગર જિલ્લાના વરતેજ ગામ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સંબોધન કરતા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના અવિરત 12 વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા અને લોકહિતાર્થે જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનકલ્યાણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને તેમના ઘર આંગણે, એટલે કે ગામના સ્તરે જ મળી રહે. એક જ સ્થળેથી બહુવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરીને ગ્રામજનો કીમતી સમય અને મહેનત બચાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
વરતેજની શાળા ખાતે આયોજિત આ શિબિરમાં મહાનુભાવોના શુભહસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિતની માહિતી વિગતવાર આપવામાં આવી હતી.
નાગરિકોની સુવિધા માટે આધાર કાર્ડને લગતી સેવાઓ, જાતિ-આવક-રહેઠાણના દાખલાઓ કઢાવવાની સેવા, જમીનના દફતરની નકલ સહિતની મહેસૂલી સેવાઓ માટે અલગ-અલગ વિભાગોના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામજનોના આરોગ્યની કાળજી લેવા માટે નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા આરોગ્ય કેમ્પ યોજીને વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે મહાનુભાવોના હસ્તે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ જનકલ્યાણ શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી અને આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન કરીને સરકારી યોજનાઓની વિગતો આપી હતી. વરતેજના સરપંચ શ્રી જયરાજસિંહ પી. ગોહિલ, આગેવાનશ્રી હર્ષદગીરી ગોસ્વામી, શ્રી કુલદીપસિંહ રાઠોડ સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં વરતેજ અને આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો.(-માહિતી બ્યૂરો, ભાવનગર)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
