તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Monday, 16th November 2026
વીરપુરમાં પૂ. જલારામબાપાની 227મી જન્મજયંતિની મધ્યરાત્રિએ ભવ્ય ઉજવણી : 227 કિલોની કેક કાપી ભક્તોને પ્રસાદીનું વિતરણ
ચામુંડા ચોક ખાતે જલારામ યુવા ગ્રૂપ દ્વારા મહાઆરતી, કેક સેલિબ્રેશન અને આતશબાજી સાથે જન્મજયંતિની અનોખી ઉજવણી કરાઈ

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર તા.૧૬ : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વીરપુરમાં ઠેર ઠેર સેવા ભાવી યુવાનો દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વીરપુરના ચામુંડા ચોક ખાતે જલારામ યુવા ગ્રૂપ દ્વારા રાત્રિના બરાબર 12 વાગ્યે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી ઉતારી તેમજ 227 કિલોની વિશાળ કેક કાપીને જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચામુંડા ચોક ખાતે મોટી સંખ્યામાં વીરપુરવાસીઓ તેમજ દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તો એકત્રિત થયા હતા. જલારામ બાપાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સૌપ્રથમ પૂજ્ય જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી, ત્યારબાદ 227મી જન્મજયંતિના પ્રતીકરૂપે 227 કિલોની વિશાળ કેકના ટુકડા ગોઠવીને કેક કાપવામાં આવી હતી. કેક સેલિબ્રેશન બાદ ઉપસ્થિત ભક્તજનોને કેકના ટુકડા પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યા હતા.
જન્મજયંતિની આ અનોખી ઉજવણીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. કેક સેલિબ્રેશન બાદ ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડી ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિને લઈને વીરપુરમાં ઠેર ઠેર ભક્તિમય માહોલ છવાયો છે. સેવા, સમર્પણ અને માનવતાનો સંદેશ આપનાર જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે યુવાનો દ્વારા કરવામાં આવેલી આ અનોખી ઉજવણી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
