News of Monday, 29th June 2026
જેસર-ગારીયાધાર વચ્ચે કોઝ-વે ઉપર પાણી ભરાતા ૪ કલાક વાહન વ્યવહાર ઠપ્પ
જેસર પંથકમાં મેઘમહેરઃ અડધો ઈંચથી વધુ વરસાદથી ગરમીમાં રાહત, જેસર-ગારીયાધાર-દેપલા માર્ગ ૩ કલાક બંધ, ૨ વીજપોલ ધરાશાયી : રવિવારે બપોરે અસહ્ય ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કોઝવે પર પાણી ફરી વળતા રાણીગામ-દેપલા માર્ગે વાહનવ્યવહાર ઠપ્પ, દેપલામાં વીજળી ગુલ, નદીઓમાં નવા નીર આવ્યા, ખેડૂતોમાં ખુશી

(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા.૨૯: સૌરાષ્ટ્રના જેસર પંથકમાં ગઈકાલે રવિવાર, તા.૨૮/૬/૨૦૨૬ના રોજ બપોર બાદ અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર અડધો ઈંચથી વધુ વરસાદ વરસી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
આ વરસાદના પગલે જેસર-ગારીયાધાર વાયા રાણીગામ-દેપલા માર્ગ પર આવેલા કોઝવે ઉપર વરસાદી પાણી ભરાતાં ત્રણથી ચાર કલાક સુધી વાહન વ્યવહાર સદંતર બંધ રહ્યો હતો. કોઝવેની બન્ને બાજુ લોકો અટવાઈ પડ્યા હતા અને જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ભારે પવન અને વરસાદને કારણે બે વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા હતા, જેના કારણે દેપલા ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ વરસાદ જેસર શહેર ઉપરાંત આજુબાજુના રાણીગામ, દેપલા, હીપા વડલી, પીપરડી, ઝડકલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કયાંક થોડો તો કયાંક જાજો વરસ્યો હોવાનું જાણવા મળેલ છે.
ચોમાસાનો આ પ્રથમ સારો વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં નવા નીર વહેવા લાગ્યા છે. વરસાદના પગલે જગતનો તાત ખેડૂત ખુશખુશાલ જોવા મળ્યો હતો. હાલ માર્ગ પરથી પાણી ઓસરતા વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
