News of Friday, 27th November 2026
વેરાવળ એસ.ટી.ડેપોને લીલી પરિક્રમા-કાર્તિકી પૂનમનો મેળો ફળ્યો
મુસાફરોને સુગમ પરિવહન સેવા પૂરી પાડી સાત દિવસમાં રૂ. એક કરોડથી વધુની આવક રળી

(દિપક કક્કડ દ્વારા)ગીરનારની લીલી પરિક્રમા અને સોમનાથ જ્યોર્તિલિંગના આંગણે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાના અવસરે વેરાવળ એસ.ટી.ડેપોમાં મહત્તમ ટ્રાફિક નોંધાયો હતો. આ બન્ને અવસરે એક્સ્ટ્રા સંચાલન થકી એસ.ટી.એ મુસાફરોને સરળ અને સુગમ પરિવહન સેવા સુવિધા પૂરી પાડી સાત દિવસમાં રુ. એક કરોડથી વધુની આવક રળી હતી.
તા.૧૯/૧૧/૨૦૨૬ થી તા.૨૫/૧૧/૨૦૨૬ દરમિયાન તમામ વાહનોમાં મહત્તમ ટ્રાફિક રહેવાના કારણે આ દિવસો દરમિયાન વેરાવળ ડેપોની કુલ આવક રૂ. ૧,૦૫,૧૧,૯૦૮ જેટલી થઈ હતી એમ એસ.ટી.ડેપો મેનેજર દિલીપ શામળા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
એસ.ટી.ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર અને કન્ડક્ટર્સે સતત સંચાલન અને એક પણ અકસ્માત કે એક પણ બ્રેક ડાઉન થયા વગર સલામત સંચાલન કર્યું હતું. તેમજ મિકેનિક સુપર વાઇઝરો , મિકેનીકલ સ્ટાફ દ્વારા વાહનોની યોગ્ય જાળવણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા ૧૦૫ વાહનોનો ઉપયોગ કરીને ૪૪૨ ટ્રીપ સાથે ૫૭,૭૪૮ વધારાના કિલોમીટરનું સંચાલન કરી અને ૨૦,૪૨૫ મુસાફરોને વધારાની સુવિધા પૂરી પાડી અને રૂ. ૨૭,૮૮,૫૬૭ વધારાની આવક મેળવી હતી. ડ્રાઈવર્સ અને કંડક્ટરની મહેનતનો ફાળો આ વધારાની આવકમાં મહત્તમ રહ્યો હતો. આ તમામ ડ્રાઈવર-કંડકટરની ઉત્કળષ્ટ કામગીરી માટે ડેપો મેનેજરશ્રીએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
