<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જૂનાગઢ વન વિભાગની સતર્કતાથી સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર બચ્ચા સાથે સિંહ પરિવારને સુરક્ષિત રીતે કરાવાયો માર્ગ પાર : જુઓ વિડિયો

રાત્રિ દરમિયાન હાઈવે પર આવી ચડેલા સિંહ પરિવાર માટે વન કર્મચારીઓએ ટ્રાફિક થોભાવ્યો : વાહનચાલકો અને વન્યજીવો બંનેની સલામતી સુનિશ્ચિત થઈ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૫ : જૂનાગઢ વન વિભાગની વેરાવળ રેન્જ હેઠળ ગઈકાલે રાત્રિના સમયે માનવ અને વન્યજીવ સંઘર્ષ ટળવાનો એક ઉદાહરણરૂપ બનાવ સામે આવ્યો છે. વન વિભાગની ત્વરિત સતર્કતાને કારણે 4 સિંહણ અને તેમના નાના બચ્ચાઓનો જીવ બચી ગયો હતો.

સુત્રાપાડા–કોડીનાર હાઈવે પર રાત્રિ દરમિયાન અચાનક ચાર સિંહણ પોતાના બચ્ચાઓ સાથે મુખ્ય માર્ગ પર આવી ચડી હતી. વન્યજીવોની આ હિલચાલની જાણ થતાં જ નાયબ વન સંરક્ષકશ્રી, જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

વન વિભાગના કર્મચારીઓએ હાઈવેની બંને બાજુએ વાહનોને થોડા સમય માટે સુરક્ષિત રીતે થોભાવી દીધા હતા. વાહનોની હેડલાઇટના પ્રકાશ વચ્ચે પણ સિંહ પરિવારને કોઈપણ પ્રકારના વિક્ષેપ કે જોખમ વિના માર્ગ પાર કરાવવામાં આવ્યો. ચારેય સિંહણો બચ્ચાઓ સાથે સંપૂર્ણ નિરાંતે હાઈવે ઓળંગીને જંગલ તરફ પરત ફરી હતી.

સમગ્ર કામગીરી દરમિયાન વન વિભાગની ટીમ ઘટનાસ્થળે ખડેપગે હાજર રહીને સત મોનિટરિંગ કરતી રહી હતી. 

વન અધિકારીઓના જણાવ્યા મુજબ વન વિભાગની ઝડપી કામગીરી, સતર્કતા અને સમયસરના સંકલનના કારણે સિંહ પરિવાર તેમજ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા સફળતાપૂર્વક સુનિશ્ચિત થઈ શકી હતી.

વન વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે જંગલ વિસ્તાર નજીકથી પસાર થતી વખતે ખાસ સાવધાની રાખે અને વન્યજીવોને રસ્તો આપે.

(11:26 AM IST)