<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

૨૧ મી સદીમાં અપ્રસ્તુત વર્ષા પરિસંવાદો બંધ કરવા વિજ્ઞાન જાથાની અપીલ

જૂનાગઢ વર્ષા વિજ્ઞાન પરિસંવાદના વરસાદના વરતારાનો કડડભૂસ ફિયાસ્કો થયો: છેલ્લા ૨૫ વર્ષથી વરતારાઓ ખોટા પડે છે: ભડલી-ફડલી, ટીટોડીના ઈંડા અને હોળીની જાળના ફળકથનનો કરૂણ રકાસ: વૈજ્ઞાનિક ઉપકરણો વગરની ધડમાથા વગરની આગાહીઓથી સમાજને ભારે નુકસાન: ૨૨ થી ૩૦ જૂન સુધી રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શિત કરાશે: જયંત પંડ્યા

રાજકોટ: દેશ અને દુનિયાએ વિજ્ઞાન, ટેકનોલોજી અને નેનોની મદદથી અસાધારણ પ્રગતિ કરી છે ત્યારે ૨૧ મી સદીમાં પણ પરંપરાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદો કાયમી ધોરણે બંધ કરવા માટે ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા એક અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારો દ્વારા કરવામાં આવેલા વરસાદના વરતારાઓનું પ્રથમ ચરણમાં જ કડડભૂસ થઈને કરૂણ રકાસ થયો છે, જેથી જાથા દ્વારા આ વરતારાની જાહેરમાં હોળી કરી સત્ય હકીકત ઉજાગર કરવામાં આવશે.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું છે કે, જૂનાગઢ પરિસંવાદમાં આગાહીકારોએ મે મહિનાના અંતમાં (૨૫ થી ૨૯ મે દરમિયાન) અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવાના કારણે સાયક્લોનિક વન સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની અને ૬ જૂનથી ૧૧ જૂન વચ્ચે રાજ્યમાં પ્રથમ વાવણીલાયક વરસાદ થવાની આગાહી કરી હતી, જે સંપૂર્ણ ખોટી પડી છે. આગાહીકારો મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ૧૩ જૂનથી ૨block૬ જૂન દરમિયાન વાવણી પૂર્ણ થઈ જશે અને સરેરાશ ૪૮ થી ૫૦ ઈંચ (આશરે ૭૫ ટકા એટલે કે ૧૦ થી ૧૨ આની જેટલો મધ્યમ વરસાદ) પડશે. આ પરિસંવાદમાં ૧૪ અવલોકનકારોએ વર્ષ ઘણું સારું અને ૨૭ અવલોકનકારોએ મધ્યમ રહેવાની સંભાવના દર્શાવી હતી. કુલ ૪૭ આગાહીકારોએ આવા ધડમાથા વગરના વરતારા કર્યા છે જે શરમજનક છે.

એડવોકેટ પંડ્યાએ વધુમાં ઉમેર્યું કે, વરતારા કરનારાઓ પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવું એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ, સિદ્ધાંત કે પ્રયોગસિદ્ધ સાધનો નથી. વરતારા કરનારાઓમાં ક્યારેય એકસૂત્રતા હોતી નથી અને તેમનો પાયો જ અસત્ય પર ટકેલો છે. વર્ષો પૂર્વેના આદિજ્ઞાન અને રૂઢિગત માન્યતાઓ જેમ કે ભડલી-ફડલી, લોકવાયકા, હોળીની જાળ, અખાત્રીજનો પવન, નક્ષત્ર, મેઘમાયા, દનૈયો, ટીટોડીના ઈંડા, કાગડાનો પૂર્વ દિશામાં માળો, પ્રાણી-વનસ્પતિના લક્ષણો અને જ્યોતિષ આધારિત ફળકથનો સતત ખોટા પડી રહ્યા છે. ઋતુચક્ર અને વિષુવવૃત્તના પટ્ટા પર વાતાવરણમાં ધરખમ ફેરફારો થયા છે, ગરમી વધી છે અને પૃથ્વી રાત્રે ઠંડી થવાના પ્રમાણમાં પણ ફેરફારો નોંધાયા છે. આવા સમયે જૂના પુરાણા વળગણને વળગી રહેવું તે નર્યું ગાંડપણ અને લોકોને પછાત રાખવાનું ષડયંત્ર છે.

બીજી તરફ, ભારતમાં વરસાદની સચોટ જાણકારી માટે અદ્યતન ઉપકરણો, વેધશાળાઓ, ઉપગ્રહો, પવનની ગતિ અને દરિયાઈ લો-પ્રેશર જેવા ક્રિયા-કારણના સંબંધોને ધ્યાનમાં રાખીને હવામાન ખાતું વૈજ્ઞાનિક આગાહીઓ કરે છે. જો ક્યારેક તે ખોટી પડે તો પણ ટીવી માધ્યમો દ્વારા તેના પ્રયોગસિદ્ધ કારણો જનસમાજને બતાવી શકાય છે. પૃથ્વી પર અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું કે ભૂકંપ કુદરતી નિયમો અને પ્રાકૃતિક કારણોસર આવે છે જેમાં અનેક પરિબળો સમાયેલા છે.

વરતારા કાયમી બંધ થઈ જાય તો સમાજ કે ખેડૂતોને કશું જ નુકસાન થવાનું નથી. આ અવૈજ્ઞાનિક આગાહીઓ પર સરકારનું કોઈ નિયંત્રણ કે કાયદો ન હોવાથી અમુક શખ્સો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ગપગોળા ચલાવે છે. જાથાએ પડકાર ફેંક્યો છે કે આગાહીકારોએ સોગંદનામા ઉપર વરતારા કરીને તેની ચકાસણી માટે આગળ આવવું જોઈએ. વાસ્તવિકતા એ છે કે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરમાં ગતિ કરે તે ઉત્તરાયણની સાચી તારીખ ૨૨ ડિસેમ્બર છે, પરંતુ આપણે હજી પણ પરંપરાગત ૧૪ જાન્યુઆરીને વળગી રહ્યા છીએ. હવામાનશાસ્ત્રના વિજ્ઞાન સાથે વરતારાના અવિજ્ઞાનને સરખાવવું એ જડતાની નિશાની છે.

વિજ્ઞાન જાથાના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૫ વર્ષથી વરતારા ખોટા પડવાનો આ ક્રમ ચાલુ રહ્યો છે. આથી, આગામી તારીખ ૨૨ થી તારીખ ૩૦ જૂન સુધી રાજ્યના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ વરતારાઓનો વિરોધ પ્રદર્શિત કરવા અને વર્ષા પરિસંવાદો બંધ કરાવવા જાથાના કાર્યકરો તેમજ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. આ વિચારધારા સાથે સંમત નાગરિકોને મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયું છે.

(3:12 PM IST)