તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે GIDCના વિરોધમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો: અધિકારીઓને ભાગવું પડ્યું.
હરીપર ગામના ગ્રામજનોએ એકજૂથ થઈને સ્પષ્ટ ચીમકી આપી છે કે, તેઓ વિકાસના નામે પોતાના ગામની બરબાદી સાંખી લેશે નહીં

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે GIDC વિભાગ દ્વારા આયોજિત લોક સંવાદ કાર્યક્રમ ભારે વિરોધ અને હોબાળાને કારણે ભારે ચર્ચામાં આવ્યો છે. GIDCના આયોજન સામે ગ્રામજનોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે, કાર્યક્રમ શરૂ થતાની સાથે જ વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું અને મામલો ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો.
હરીપર ગામના ગ્રામજનોએ એકજૂથ થઈને સ્પષ્ટ ચીમકી આપી છે કે, તેઓ વિકાસના નામે પોતાના ગામની બરબાદી સાંખી લેશે નહીં. ગ્રામજનોનું માનવું છે કે, GIDCના આગમનથી તેમની ફળદ્રુપ ખેતીની જમીન છીનવાઈ જશે અને સ્થાનિક પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થશે. "વિકાસના નામે ગામને બરબાદ નહીં કરવા દઈએ" ના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
વિરોધ એટલો ઉગ્ર બન્યો કે સ્થળ પર હાજર રહેલા મામલતદાર અને પોલીસ સહિતના અધિકારીઓ સામે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વધતા જતા હોબાળા અને ગ્રામજનોના ભારે આક્રોશને કારણે GIDC વિભાગના અધિકારીઓ માટે લોક સંવાદ ચાલુ રાખવો મુશ્કેલ બન્યો હતો, જેથી તેઓ કાર્યક્રમ અધૂરો છોડીને જ ત્યાંથી ચાલતી પકડવા મજબૂર બન્યા હતા. આ ઘટના બાદ હવે તંત્ર આગળ શું પગલાં ભરે છે, અને ગ્રામજનોની માંગણીઓ સામે શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર રહેશે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
