તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું યાત્રાધામ વીરપુરઃ પૂ.જલારામબાપાની જન્મજયંતિ ઉજવવા થનગનાટ

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ) તા.૧૩: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીને લઈને તૈયારીઓએ જોર પકડ્યું છે. આગામી તા. ૧૬ નવેમ્બર, સોમવારના રોજ કારતક સુદ સાતમના પવિત્ર દિવસે બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને સમગ્ર વીરપુર ધામને વેપારીઓ, સેવાભાવી યુવાનો અને ગ્રામજનો દ્વારા રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રિના સમયે મુખ્ય માર્ગો, બજારો અને વિવિધ વિસ્તારો લાઈટોની ઝગમગાહટથી ઝળહળી ઊઠતાં સમગ્ર વીરપુરમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના માનવસેવા અને અન્નદાનના મંત્રને જીવનમાં ઉતારનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ વીરપુર આજે પણ તેમની સેવાભાવનાની પરંપરાને જીવંત રાખી રહ્યું છે. પૂજ્ય બાપાની જગ્યામાં વર્ષોથી સદાવ્રતની પરંપરા અવિરત ચાલી રહી છે. ખાસ ઉલ્લેખનીય છે કે જલારામ બાપાની જગ્યામાં છેલ્લા ૨૬ વર્ષથી કોઈપણ પ્રકારનું રોકડ દાન સ્વીકારવામાં આવતું નથી.
જન્મજયંતિના પવિત્ર અવસરને લઈને વીરપુરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દિવાળીના વેકેશનને કારણે યાત્રાધામમાં ભાવિકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જલારામ બાપાનાં દર્શનાર્થે વીરપુર પહોંચી રહ્યા છે.
૩૦૦થી વધુ સ્વયંસેવકો સેવા માટે ખડેપગે રહેશે.
પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે દર્શનાર્થે આવનારા લાખો ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મંદિરથી લઈને ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્ર સુધી વિવિધ સ્થળોએ વીરપુર સહિત આજુબાજુનાં આશરે ૧૫ ગામોના ૩૦૦થી વધુ સ્વયંસેવકો સેવા માટે ખડેપગે રહેશે. સ્વયંસેવકો દ્વારા દર્શન વ્યવસ્થા, સેવા અને ભાવિકોની સુવિધા સહિતની જવાબદારીઓ નિભાવવામાં આવશે.
૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગ્રામજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને તેમના સેવાકાર્યોને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૨૭મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રા દરમિયાન ભાવિકોને ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ આયોજનને લઈને પણ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમના પવિત્ર દિવસે થયો હતો. આ વર્ષે કારતક સુદ સાતમના દિવસે સોમવારનો શુભ સંયોગ હોવાથી જન્મજયંતિની ઉજવણીને લઈને ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આમ, અન્નદાન, માનવસેવા, પરોપકાર અને સમર્પણનો અનોખો સંદેશ આપનાર પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે સમગ્ર વીરપુર ધામ સજ્જ બન્યું છે. રંગબેરંગી રોશનીથી ઝળહળતું વીરપુર અને સેવાભાવી સ્વયંસેવકોની તૈયારીઓ વચ્ચે હવે ભક્તો આતુરતાપૂર્વક જન્મજયંતિના પવિત્ર દિવસની રાહ જોઈ રહ્યા છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
