તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
વિરપુર (જલારામ) ગુંજી ઉઠયુ જય જલારામબાપાના જયઘોષથી...
ગુરૂપૂર્ણિમાએ દેશ-વિદેશમાંથી હજારો ભાવિકો દર્શનાર્થે પહોંચ્યાઃ ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાના હસ્તે ગુરૂ ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન...

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૨૯: ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિત્તે સમગ્ર યાત્રાધામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. જલારામબાપાની જગ્યાએ વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા ભક્તોએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે‘‘જલારામ ધૂન'' ગાઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે સંત શ્રી જલારામબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુરૂપૂનમના પર્વને લઈને અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી આવેલા ભાવિકોએ પૂજ્ય જલારામબાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જલાબાપાના દર્શન કરીને ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી હતી.
સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર યથાવત રહી હતી. સમગ્ર પરિસર ‘‘જય જલારામ''ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠતાં ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ સાથે ઉજવાયો હતો.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
