<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિસાવદર રેલવે જંકશનનો ભવ્‍ય ભૂતકાળઃ વર્તમાન સમયમાં નહિવત રેલવે સુવિધાઓ

વિસાવદર રેલવે સ્‍ટેશનનો ભાતિગળ ઈતિહાસ છેઃ અહીં રેલવે સ્‍ટેશનની સ્‍થાપના અને રેલવે લાઈન નાંખવાની શરૂઆત ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં થઈ હતી પહેલા કોલસાથી ટ્રેનો ચાલતી.. સમયાંતરે હવે ડીઝલથી ટ્રેનો દોડે છેઃ હાલ મીટર ગેજ છુક છુક ગાડીઓ ચાલે છે.. બ્રોડગેજનુ સપનુ લોકો વર્ષોથી જોઈ રહ્યા છે : વિસાવદરથી જુનાગઢ જતી ટ્રેનોને તો હવે ગ્રોફેડે થંભાવી ત્‍યાં જ નવું સ્‍ટેશન બનાવી મુખ્‍ય સ્‍ટેશન સાથેની કનેક્‍ટીવીટી કાપી નાખવાનો પણ ઘાટ ઘડાઈ રહ્યો છેઃ કનેક્‍ટીવીટી ન કાપવા અને પલાસવાથી શાપુર રેલવે લાઇન સાથે જોડી આપવા પ્રજાનો સ્‍વયંભૂ પોકાર પ્રવર્તે છેઃ રસપ્રદ વિગતો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯: રેલવે જંકશનનો ઈતિહાસ જૂનાગઢ સ્‍ટેટ રેલવેના સુવર્ણકાળ સાથે જોડાયેલો છે.. કહેવાય છે કે, આ સ્‍ટેશને ભૂતકાળમાં નવાબના શાહી સલૂન અને વાઇસરોયની સ્‍પેશિયલ ટ્રેનો જોઈ છે..જો કે, આજે અહીં મીટરગેજ લાઇન અને નહિવત સુવિધાઓ છે, જે ઝડપી વિકાસ અને આધુનિક કનેક્‍ટિવિટીના અભાવને દર્શાવે છે વિસાવદર રેલવે જંકશન ભૂતકાળ અને વર્તમાનની વાસ્‍તવિકતા ઐતિહાસિક મહત્‍વ અને ભવ્‍ય ભૂતકાળ પર દ્રષ્ટિપાત કરીએ તો વિસાવદર રેલવે બ્રાન્‍ચ (જૂનાગઢથી વિસાવદર)ની શરૂઆત લગભગ વર્ષઃ ૧૯૧૨માં થઈ હોવાનું વયોવૃદ્ધ લોકો કહે છે. એમ કહેવાય છે કે આ શાહી જોડાણ એટલે કે, આ લાઇનનો ઉપયોગ નવાબો દ્વારા સાસણ ગીરના જંગલોમાં સિહ દર્શન માટે પણ થતો હતો. આ જંકશનનું ગૌરવ એ પણ ગણાય છે કે એક સમયે આ સ્‍ટેશન જૂનાગઢ, વેરાવળ, અને અમરેલી તરફ જતી વિવિધ ટ્રેનોનું ધમધમતું હબ હતું?વર્તમાન સમયે નહિવત મીટર ગેજ ટ્રેનોની સુવિધા છે. વિસાવદર એક મોટુ જંકશન હોવા છતાં, આજે પણ અહીં બ્રોડગેજની સુવિધા ઉપલબ્‍ધ થઈ શકી નથી. સ્‍ટેશન પર મુખ્‍યત્‍વે મીટરગેજની જૂની પેસેન્‍જર ટ્રેનો જ ચાલે છે.

ગીરના જંગલની નજીક હોવા છતાં, અદ્યતન ટ્રેન કનેક્‍ટિવિટી ન હોવાને કારણે સ્‍થાનિક પ્રવાસન અને વેપાર-ધંધાનો યોગ્‍ય વિકાસ થઈ શક્‍યો નથી. આધુનિક સમયમાં નહિવત સુવિધાઓ દર્શાવે છે કે આ વિસ્‍તારને હજુ પણ નેશનલ રેલવે નેટવર્ક સાથે જોડીને પ્રોત્‍સાહન આપવાની જરૂર છે.

વિસાવદર રેલવે જંકશનનો ગૌરવશાળી રેલવે વારસોઃ કોલસાના ધુમાડાથી લઈને ડીઝલ યુગ સુધીની સફર, વેપાર-વિકાસના સાક્ષી બનેલું સૌરાષ્ટ્રનું ઐતિહાસિક જંકશન એટલે વિસાવદર જંકશન ગણાય છે.

સૌરાષ્ટ્રના રેલવે ઇતિહાસમાં જો કોઈ સ્‍ટેશન માત્ર મુસાફરોના અવરજવરનું કેન્‍દ્ર નહીં, પરંતુ સમગ્ર વિસ્‍તારના સામાજિક, આર્થિક અને સાંસ્‍કૃતિક પરિવર્તનનું પ્રતીક ગણાય તો તેમાં વિસાવદર જંકશનનું નામ અગ્રેસર ગણાય. ગિરના જંગલોની ગોદમાં આવેલું આ સ્‍ટેશન આજે પણ મીટરગેજ યુગની અનેક યાદોને જીવંત રાખે છે. એક સમય એવો હતો જ્‍યારે સ્‍ટીમ એન્‍જિનની સીટીથી સમગ્ર વિસ્‍તાર ગુંજી ઊઠતો હતો, ખેડૂતો પોતાના પાકના ગાડાં લઈને સ્‍ટેશન પર પહોંચતા હતા અને વેપારીઓ માટે રેલવે જીવનદોરી સમાન હતી.

આજે ભલે સમય બદલાયો હોય, પરંતુ વિસાવદર જંકશનનો ઇતિહાસ હજુ પણ સૌરાષ્ટ્રના વિકાસની એક જીવંત ગાથા બનીને ઉભો છે.

જૂનાગઢ રાજ્‍યના વિકાસ સાથે જોડાયેલો રેલવે ઇતિહાસ : સૌરાષ્ટ્રના રજવાડા કાળ દરમિયાન પરિવહન વ્‍યવસ્‍થા મર્યાદિત હતી. વેપાર અને વહીવટી સુવિધાઓ માટે રેલવે સૌથી વિશ્વસનીય માધ્‍યમ તરીકે ઉભરી રહી હતી. જૂનાગઢ રાજ્‍યએ ૧૯મી સદીના અંતિમ વર્ષોમાં અને ૨૦મી સદીના પ્રારંભમાં રેલવે નેટવર્ક વિકસાવવાનું શરૂ કર્યું.

વિસાવદર તે સમયથી જ મહત્‍વનું કેન્‍દ્ર હતું. જૂનાગઢ, અમરેલી, તાલાલા, સાસણ અને દેલવાડા જેવા વિસ્‍તારોને જોડતી રેલવે લાઇનના સંગમસ્‍થળ તરીકે વિસાવદરનું મહત્‍વ વધતું ગયું. આ કારણે સ્‍ટેશનને ‘‘જંકશન''નો દરજ્‍જો મળ્‍યો.

રેલવેના આગમનથી ગિર વિસ્‍તાર અને આસપાસના ગ્રામ્‍ય પ્રદેશો સીધા બજારો સાથે જોડાયા. ખેડૂતોને પોતાની ઉપજ દૂર સુધી પહોંચાડવાનો સરળ માર્ગ મળ્‍યો અને સ્‍થાનિક વેપારને નવી દિશા મળી.

જ્‍યારે સ્‍ટીમ એન્‍જિનની સીટીથી ગુંજતો હતો વિસ્‍તાર : વિસાવદર સ્‍ટેશનનો સૌથી યાદગાર સમયગાળો સ્‍ટીમ એન્‍જિનનો ગણાય છે. કોલસાથી ચાલતા આ એન્‍જિન માત્ર પરિવહનનું સાધન નહોતાં, પરંતુ લોકો માટે આકર્ષણનું કેન્‍દ્ર પણ હતા. સ્‍ટેશન પર વિશાળ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી હતી. સ્‍ટીમ એન્‍જિનને નિયમિત પાણી અને કોલસાની જરૂર પડતી હોવાથી વિસાવદરમાં તેની ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. ટ્રેન આવતાં જ પાણી ભરવાની પ્રક્રિયા શરૂ થતી અને મુસાફરો માટે તે એક રસપ્રદ લ્લશ્‍ય બનતું. તે સમયના વડીલોના વર્ણન અનુસાર, ટ્રેન આવવાની સીટી સાંભળતાં જ બાળકો સ્‍ટેશન તરફ દોડી જતા. ધુમાડાના ગોટેગોટા છોડતું કાળું એન્‍જિન સમગ્ર વિસ્‍તાર માટે આધુનિક યુગના પ્રતીક સમાન લાગતું.

સ્‍ટેશન માત્ર મુસાફરીનું કેન્‍દ્ર નહીં, વેપારનું ધબકતું હૃદય : વિસાવદર અને આસપાસનો વિસ્‍તાર કૃષિપ્રધાન રહ્યો છે. મગફળી, કપાસ, ઘઉં, તલ અને અન્‍ય પાકોનું ઉત્‍પાદન મોટા પ્રમાણમાં થતું હતું.

રેલવે પહેલાં ખેડૂતો માટે માલસામાન દૂર પહોંચાડવો મુશ્‍કેલ હતો. બળદગાડા દ્વારા લાંબી મુસાફરી કરવી પડતી. પરંતુ રેલવે આવ્‍યા પછી વેપારનું ચિત્ર જ બદલાઈ ગયું.

વિસાવદર સ્‍ટેશન પરથી દરરોજ કૃષિ પેદાશો, પશુપાલન સંબંધિત ઉત્‍પાદનો અને અન્‍ય માલસામાન મોટા શહેરોમાં મોકલવામાં આવતો હતો. સ્‍ટેશન પર માલગાડીઓ માટે અલગ યાર્ડની વ્‍યવસ્‍થા હતી. વેપારીઓ માટે રેલવે સૌથી સસ્‍તું અને વિશ્વસનીય પરિવહન સાધન બની ગઈ.

રેલવે કર્મચારીઓથી ધમધમતું સ્‍ટેશનઃ એક સમય એવો હતો જ્‍યારે વિસાવદર સ્‍ટેશન પર સ્‍ટેશન માસ્‍ટર, સિગ્નલમેન, પોઈન્‍ટ્‍સમેન, ગેંગમેન, બુકિગ ક્‍લાર્ક અને અન્‍ય અનેક કર્મચારીઓની સતત અવરજવર રહેતી હતી. સ્‍ટેશન નજીક રેલવે ક્‍વાર્ટર્સ પણ બનાવવામાં આવ્‍યા હતા. અનેક પરિવારોનું જીવન રેલવે સાથે જોડાયેલું હતું. સ્‍ટેશન માત્ર પરિવહન કેન્‍દ્ર નહીં પરંતુ એક જીવંત વસાહતનું સ્‍વરૂપ ધારણ કરી ચૂક્‍યું હતું.

ડીઝલ યુગનું આગમન અને પરિવર્તનની શરૂઆત : ૧૯૬૦ના દાયકાના અંતથી ભારતીય રેલવેમાં સ્‍ટીમ એન્‍જિનને બદલે ડીઝલ એન્‍જિનનો ઉપયોગ વધવા લાગ્‍યો. ધીમે ધીમે સૌરાષ્ટ્રના મીટરગેજ રૂટો પર પણ ડીઝલ એન્‍જિન દોડવા લાગ્‍યા..વિસાવદરમાં પણ સ્‍ટીમ એન્‍જિનનો યુગ પૂર્ણ થવા લાગ્‍યો. કોલસાની જગ્‍યાએ ડીઝલ ટેકનોલોજી આવી. પરિણામે ટ્રેનો વધુ ઝડપી, વધુ વિશ્વસની બની.

જોકે સ્‍ટીમ એન્‍જિનના ધુમાડા અને સીટીની યાદો લોકોના મનમાં લાંબા સમય સુધી જીવંત રહી.

સુવર્ણકાળમાં દોડતી અનેક ટ્રેનોઃ ૧૯૭૦થી ૧૯૯૦નો સમયગાળો વિસાવદર જંકશન માટે સુવર્ણ યુગ માનવામાં આવે છે તે સમય દરમિયાન જૂનાગઢ, અમરેલી, તાલાલા, વેરાવળ અને દેલવાડાને જોડતી અનેક પેસેન્‍જર ટ્રેનો નિયમિત દોડતી હતી. વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, વેપારીઓ અને સામાન્‍ય મુસાફરો માટે ટ્રેન મુખ્‍ય પરિવહન સાધન હતી.

સવાર અને સાંજના સમયે સ્‍ટેશન પર ભારે ચહલપહલ જોવા મળતી. ટિકિટ વિન્‍ડો સામે કતારો લાગતી અને પ્‍લેટફોર્મ પર મુસાફરોની ભીડ રહેતી.

સમય બદલાયો, ટ્રાફિક ઘટ્‍યો : ૧૯૯૦ પછી માર્ગ પરિવહનમાં ઝડપથી વિકાસ થયો. રાજ્‍ય પરિવહનની બસ સેવાઓ વિસ્‍તરી. ખાનગી વાહનોની સંખ્‍યા વધી. ગામડાં સુધી પાકા રસ્‍તાઓ પહોંચ્‍યા..પરિણામે લોકો ધીમે ધીમે રેલવેની જગ્‍યાએ બસ અને ખાનગી વાહનો તરફ વળવા લાગ્‍યા.

માલસામાન પરિવહન પણ ટ્રકો દ્વારા થવા લાગ્‍યું. જેના કારણે રેલવેના માલવહન વ્‍યવસાયમાં ઘટાડો થયો. અનેક રૂટ પર ટ્રાફિક ઓછો થતાં કેટલીક સેવાઓ મર્યાદિત કરવી પડી.

મીટરગેજની અનોખી ઓળખઃ  ભારતમાં મોટા ભાગના રૂટ બ્રોડગેજમાં પરિવર્તિત થઈ ગયા છે. છતાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્‍તારોમાં મીટરગેજનું ઐતિહાસિક અસ્‍તિત્‍વ આજે પણ ચર્ચાનો વિષય છે.

વિસાવદર જંકશનની વિશેષતા એ છે કે તે મીટરગેજ વારસાની જીવંત નિશાની તરીકે ઓળખાય છે. રેલવે ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ સ્‍ટેશન વિશેષ આકર્ષણ ધરાવે છે.

રેલપ્રેમીઓ માટે ગિરના જંગલો વચ્‍ચેથી પસાર થતી ટ્રેનની સફર આજે પણ એક અનોખો અનુભવ ગણાય છે.

ગિર અને પ્રવાસન સાથે જોડાયેલી નવી આશાઓઃ તાજેતરના વર્ષોમાં ગિર વિસ્‍તારનું પ્રવાસન સતત વધ્‍યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓ સિહદર્શન માટે ગિરની મુલાકાત લે છે. આ પરિસ્‍થિતિમાં જૂનાગઢ-વિસાવદર-સાસણદેલવાડા રેલ માર્ગને હેરિટેજ અને ટૂરિઝમ રૂટ તરીકે વિકસાવુ સમયની માંગ છે. જો આ યોજના સાકાર થશે તો વિસાવદર જંકશનને નવી ઓળખ મળશે. ઐતિહાસિક સ્‍ટેશન, હેરિટેજ ડિઝાઇન, વિશેષ પ્રવાસન ટ્રેનો અને સ્‍થાનિક અર્થતંત્ર માટે નવી તકો ઊભી થઈ શકે છે.

સ્‍થાનિક લોકોની લાગણી સાથે જોડાયેલું સ્‍ટેશનઃ વિસાવદરના અનેક વડીલો આજે પણ સ્‍ટીમ એન્‍જિનના દિવસોને યાદ કરે છે. કેટલાક માટે આ સ્‍ટેશન રોજગારીનું કેન્‍દ્ર હતું, તો કેટલાક માટે શિક્ષણ અને વેપાર તરફ લઈ જતો માર્ગ.

ગામડાંમાંથી શહેરોમાં ભણવા જતાં વિદ્યાર્થીઓ, સૈનિક ભરતી માટે જતા યુવાનો, વેપાર માટે નીકળતા વેપારીઓ અને પોતાના સ્‍વજનોને વિદાય આપવા આવતા પરિવારોઆ બધાની અસંખ્‍ય યાદો વિસાવદર સ્‍ટેશન સાથે જોડાયેલી છે. આ કારણસર વિસાવદર જંકશન માત્ર એક રેલવે સ્‍ટેશન નહીં, પરંતુ સમગ્ર વિસ્‍તારની સામૂહિક સ્‍મૃતિનો મહત્‍વપૂર્ણ હિસ્‍સો બની ગયું છે.

વારસાને જાળવવાની જરૂર : આધુનિક વિકાસની દોડમાં અનેક ઐતિહાસિક રેલવે સ્‍ટેશનો પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે. આવા સમયે વિસાવદર જંકશન જેવા સ્‍ટેશનોના વારસાનું સંરક્ષણ અત્‍યંત જરૂરી બની જાય છે. જૂના દસ્‍તાવેજો, ફોટોગ્રાફસ, સ્‍ટીમ યુગની યાદો, નિવૃત્ત રેલવે કર્મચારીઓના અનુભવો અને સ્‍થાનિક લોકોની મૌખિક પરંપરાઓનું સંકલન કરવામાં આવે તો વિસાવદરના રેલવે ઇતિહાસ પર એક મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજ તૈયાર થઈ શકે તેમ છે તેવું માનનારો મોટો વર્ગ છે.

વિસાવદર જંકશનનો ઇતિહાસ માત્ર રેલવેનો ઇતિહાસ નથી. તે ગિર પ્રદેશના વિકાસ, કૃષિ અર્થતંત્ર, વેપાર, શિક્ષણ અને સામાજિક પરિવર્તનની ગાથા છે. કોલસાથી ચાલતા સ્‍ટીમ એન્‍જિનની સીટીથી શરૂ થયેલી આ સફર આજે આધુનિક યુગ સુધી પહોંચી છે...સમય બદલાયો છે, ટ્રેનો બદલાઈ છે, મુસાફરીની રીતો બદલાઈ છે, પરંતુ વિસાવદર જંકશનની ઓળખ હજુ પણ એટલી જ ગૌરવપૂર્ણ છે. ગિરના દ્વારે ઉભેલું આ સ્‍ટેશન આજે પણ ભૂતકાળની ગૌરવગાથા અને ભવિષ્‍યની આશાઓ વચ્‍ચે એક જીવંત સેતુ બનીને ઊભું છે.

વિસાવદર રેલવે સ્‍ટેશન જંકશન ભાતિગળ ઈતિહાસ ધરાવે છે.. પરંતુ હાલ અસ્‍તિત્‍વ જોખમમાં મૂકાય તેવી સ્‍થિતિ નિર્માણ થવા જઈ રહી છે.. વિસાવદરથી જુનાગઢ જતી ટ્રેનોનુ સૂચિત સ્‍ટેશન મુખ્‍ય સ્‍ટેશનેથી કાપી 'ગ્રોફેડ' ખાતે સ્‍થાપિત કરવાનુ આયોજન હાથ ધરાઈ રહ્યુ છે.. વિસાવદર સહિત અમરેલી-ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્‍લાની ગ્રામીણ પ્રજા ગ્રોફેડ સ્‍ટેશનમાં સહમત નથી..વિકલ્‍પે પલાસવા-શાપુરથી જૂનાગઢ સ્‍ટેશનની કનેક્‍ટીવીટી માંગી રહ્યા છે.

વિસાવદરને જોડતી જૂનાગઢ-ગીર સોમનાથ અને અમરેલી મીટર ગેજ લાઈનનુ બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા સહિતના અનેકવિધ મુદ્દે હાલ લોકો દ્વારા સ્‍વયંભૂ મિશન ચાલી રહ્યું છે..

અત્રે ઉલ્‍લેખનીય છે કે, વિસાવદર તરફથી જૂનાગઢ આવતી ટ્રેનોના પરિણામે જૂનાગઢના શહેરીજનોને રેલવે ફાટકના પરિણામે પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે તે સમસ્‍યાનો ઉકેલ અતિ આવશ્‍યક છે.. પરંતુ ગ્રોફેડ ખાતે સ્‍ટેશન ઉભુ કરવાના બદલે પલાસવા-શાપુર સાથે લાઈન જોડી જૂનાગઢ જંકશન સ્‍ટેશન સાથે કનેક્‍ટીવીટી જાળવી રાખવી સામુહિક લોકહિતમા છે તેવો સાર્વત્રિક મત પ્રવર્તે છે.

વિસાવદરને બ્રોડગેજ તો દૂર જૂનાગઢ સાથેની કનેક્‍ટિવિટી પણ તોડી નાખવાના પ્રયાસોથી પ્રજામાં વ્‍યાપક રોષ ભભૂકી રહ્યો છે.

સિહ અને જંગલના બહાના હેઠળ વિસાવદર સહિત સોરઠની પ્રજા સાથે ક્રૂર મજાક થઈ રહી છે. કહેવાય છે કે, પીપાવાવ લાઈન પર સિહના મોતની ઘટનાઓ છતાં બ્રોડગેજ દોડે છે..!!

વિસાવદર, સાસણ, તાલાળા, ગીરગઢડા, ઉના, વેરાવળ, ધારી અને ચલાલા, અમરેલી જેવા વિસ્‍તારોને જોડતી આ જીવાદોરી સમાન મીટરગેજ ટ્રેનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની લોકશાહી ઢબે થતી માંગણીઓ સંતોષવાને બદલે જૂનાગઢ રેલવે સ્‍ટેશન સાથેની વિસાવદરની ઐતિહાસિક કનેક્‍ટિવિટી પણ કાયમ માટે તોડી નાખવાનો કારસો ઘડાયોનુ બહાર આવતા પ્રજામાં રોષ ભભૂકી રહ્યો છે.

એવું કહેવાય રહ્યું છે કે, રેલવે તંત્ર દ્વારા એવું બહાનું ધરવામાં આવી રહ્યું છે કે જંગલ વિસ્‍તાર હોવાથી આ લાઈનને બ્રોડગેજ કરી શકાય તેમ નથી. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે આ મીટરગેજ  ટ્રેક પર ઇતિહાસમાં ક્‍યારેય કોઈ સિહ કે વન્‍યજીવનું ટ્રેન અકસ્‍માતમાં મૃત્‍યુ થયું નથી. બીજી તરફ, જ્‍યાં સૌથી વધુ સિહોની અવરજવર છે અને જ્‍યાં ભૂતકાળમાં ટ્રેનની અડફેટે સિહોની ઘટના બની છે તે પીપાવાવ-રાજૂલા લાઇન પર આજે પણ કોઈ પણ રોકટોક વગર માલગાડીઓ અનેબ્રોડગેજ ટ્રેનો દોડી રહી છે ! તો પછી માત્ર વિસાવદર સહિત સોરઠની જનતાની આ ટ્રેન સામે જ જંગલનું બહાનું કેમ ધરવામાં આવે છે ? તે સો મણનો સવાલ છે.

અમદાવાદ કે રાજકોટ જેવા મોટા શહેરોમાં ટ્રાફિક કે ફાટકોની સમસ્‍યા નિવારવા માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે છે પરંતુ કનેક્‍ટિવિટી કાપવામાં આવતી નથી. જ્‍યારે સોરઠના કિસ્‍સામાં રેલવે બોર્ડનું વલણ અલગ કેમ દેખાય રહ્યું છે..? તેવી વ્‍યાપક લોકચર્ચા છે. આ વલણને કારણે સોરઠના પ્રવાસીઓ, વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા શ્રમિકો-વિદ્યાર્થીઓએ જૂનાગઢ સાથેની સીધી રેલવે લિક ગુમાવવાનો વારો આવશે.

ગીર સોમનાથ, અમરેલી, વિસાવદર તરફથી આવતી ટ્રેનોની કનેક્‍ટિવિટી જૂનાગઢ જંકશન સ્‍ટેશન સાથે બહાલ રાખવા અને તેને સત્‍વરે બ્રોડગેજમાં ફેરવવાની માંગ સાથે સ્‍થાનિક સંગઠનો, અગ્રણીઓ અને જનતા દ્વારા શરૂ કરાયેલું આંદોલન હવે સમગ્ર વિસ્‍તારમાં જોરદાર વેગ પકડી રહ્યું છે. જો રેલવે બોર્ડ નિર્ણય પરત નહીં ખેંચે તો આવનારા દિવસોમાં ઉગ્ર જનઆંદોલન છેડવાની ચીમકી પણ લોકો દ્વારા ઉચ્‍ચારવામાં આવી રહી છે.

દેશભરમાં જ્‍યારે બુલેટ ટ્રેન અને આધુનિક રેલવે કનેક્‍ટિવિટીની વાતો થઈ રહી છે ત્‍યારે સોરઠના હૃદય સમાન મીટરગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના બદલે અસ્‍તિત્‍વ જ મિટાવી દેવાનો ક્‍યાંક કમનસીબ નિર્ણય ન લેવાય જાય..? તેવી ભીતી લોકો સેવી રહ્યા છે.

(10:23 AM IST)