<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ઉપલેટાના મોટીપાનેલીમાં રહેણાંક વિસ્‍તાર વચ્‍ચેના વોડાફોન ટાવરને સીલ મરાયું, લાઈટ કનેક્‍શન કપાયું

અનેક રજૂઆત બાદ કલેક્‍ટરના હુકમના આધારે ગ્રામ પંચાયતે કાર્યવાહી કરી, ગંદકી અને દુર્ગંધથી ત્રસ્‍ત રહેવાસીઓએ સ્‍થળાંતરની માંગ કરી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી તા.૨૪: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ગામતળમાં રહેણાંક વિસ્‍તારની વચ્‍ચે આવેલ ઈન્‍ડસ વોડાફોન કંપનીના મોબાઈલ ટાવરને સીલ મારવામાં આવ્‍યું છે અને તેનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્‍યું છે.

આ ટાવર વાળી જગ્‍યા રહેણાંક વિસ્‍તારની વચ્‍ચે આવેલી છે અને લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી ભૂત બંગલા જેવી સ્‍થિતિમાં છે. ટાવર પર પક્ષીઓના વસવાટને કારણે ચરક, મરેલા બચ્‍ચા અને ખાધ ખોરાકથી ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદ છે. જેના કારણે રહેવાસીઓ તંગ પરિસ્‍થિતિમાં જીવી રહ્યા હતા.

આ અંગે હંસાબેન રમેશભાઈ ભાલોડીયા સહિતના રહેવાસીઓએ તાલુકા સ્‍વાગત અને જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત મુખ્‍યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જેના અન્‍વયે જિલ્લા કલેક્‍ટરે ૧૨/૦૯/૨૦૨૬ ના રોજ આજુબાજુના રહેવાસીઓના સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાને લઈને મોબાઈલ ટાવરને અન્‍ય જગ્‍યાએ ફેરવવા હુકમ કર્યો હતો.

આ હુકમના આધારે આજે મોટી પાનેલી ગ્રામ પંચાયતે માત્ર વીજ જોડાણ કાપવા અને સીલ મારવાની કાર્યવાહી કરી છે. જોકે સ્‍થાનિકોમાં હજુ રોષ છે કે માત્ર સીલ મારવાથી પરિસ્‍થિતિ જેમની તેમ રહેશે. ટાવરનું તાત્‍કાલિક સ્‍થળાંતર થાય તો જ બાળકો સહિત રહેવાસીઓ સુખદ જીવન જીવી શકે તેમ છે.

રહેવાસીઓએ તંત્રને હુકમની તાત્‍કાલિક અમલવારી કરી ટાવરનું સ્‍થળાંતર કરવા પુકાર લગાવી છે. જો હુકમ મુજબ એક માસમાં સ્‍થળાંતર નહીં થાય તો કચેરી સામે ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવાશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે

(10:25 AM IST)