<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

વાંકાનેર અગાભી પીપળીયાના યુવાને ઝેર પીધું: ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ બ્‍લેકમેઇલ કરતી હોવાનું કથન

એકાદ મહિના પહેલા મોરબીની પરિણીતા સાથે સોયિશલ મિડીયાથી ફ્રેન્‍ડશીપ થયા બાદ રૂબરૂ મળવા ગયો ત્‍યારે ફોટા પાડી લેવાયા હતાં: સારવાર માટે રાજકોટ ખસેડાતાં પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૬: વાંકાનેરના અગાભી પીપળીયાનો પરિણીત યુવાને ઇન્‍સ્‍ટાગ્રામ મારફત મોરબીની પરિણીતા સાથે ફ્રેન્‍ડશીપ કર્યા બાદ તેને બ્‍લેકમેઇલીંગની જાળમાં ફસાવી હેરાન કરવામાં આવતાં તેણે આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતો પ્રવિણભાઇ હરેશભાઇ પરમાર (ઉ.વ.૨૭) ગઇકાલે ઘરે ઝેરી દવા પી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

પ્રવિણભાઇ છુટક ખેત મજૂરી કરે છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તેના કહેવા મુજબ એકાદ મહિના પહેલા તેને ઇન્‍સ્‍ટાગ્રામ પર મોરબીની એક મહિલાએ ફ્રેન્‍ડ રીક્‍વેસ્‍ટ મોકલી હતી. જે તેણે સ્‍વીકારી હતી. આ પછી બંને વચ્‍ચે મિત્રતા થઇ હતી. થોડા દિવસ પહેલા પોતાને મોરબી બોલાવાતા ત્‍યાં ગયો હતો અને એ વખતે તે મહિલા સાથે બેઠો હતો ત્‍યારે બીજા શખ્‍સો આવી ગયા હતાં અને ફોટા વિડીયો પાડી લીધા હતાં. બાદમાં ધમકાવીને તગડી મુકાયો હતો. હવે આ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ મહિલા હેરાન કરી બ્‍લેકમેઇલ કરતી હોઇ તેમજ મરી જવાની ધમકી આપતી હોઇ પોતે જ કંટાળીને ઝરે પી ગયાનું કહ્યું હતું. આ ઘટનામાં ખરેખર શું બન્‍યું? તેની તપાસ પોલીસ કરી રહી છે.

(10:52 AM IST)