<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

રાજકોટ જવા માટે વાંકાનેરનો અતિ બિસ્‍માર રસ્‍તો, ન તો નવો બને છે, ન રીપેર થાય છે

લોકોની હાડમારી દુર થાય એ માટે રજુઆતો ઘણી થઇ, પણ પરિણામ હજુ શુન્‍ય

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૩૦: વાંકાનેરના હાર્દસમા ૧૦ર ગામોને જોડતો અને રાજકોટ જવા માટેનો, દાણાપીઠ ચોકથી લક્ષ્મીપરા-પતાળીયા રોડથી રાજકોટ સ્‍ટેટ હાઇવેને જોડતો આ નાનો લીંક રોડ, બદતર, ખાડાખબળાવાળો, જોખમી અને અતિ બિસ્‍માર રસ્‍તા પરથી દરરોજ હજારો વાહનોની અવર-નવર રહે છે. આ રોડને નવેસરથી બનાવવા અત્‍યાર સુધી અનેક રજુઆતો થઇ છે. ચક્કાજામ થયેલા છે તેમ છતા માવતર વિનાના આ રસ્‍તાનું ન તો રીપેરીંગ થાય છે કે ન તો નવો બને છે. પતાળીયા નદી પર આ રસ્‍તા પર જ આશરે આઠ વરસ પહેલા બનેલો પુલ પણ હવે જોખમી બનતો જઇ રહયો છે. પુલના લોખંડના સળીયા ખુલ્લા થઇ ચુકયા હોઇ ગમે ત્‍યારે મોટો અકસ્‍માત-જાનહાની સર્જી શકે છે.

આ રસ્‍તા માટે થોડા સમય પહેલા આંદોલન થયું ત્‍યારે વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાએ આંદોલન તોડી પાડી કેટલાક લોકોને એટેક પણ કર્યા હતા. હજુ સુધી આ રસ્‍તો જે તે સ્‍થિતિમાં અતિ બિસ્‍માર હાલતમાં યથાવત જ છે. રસ્‍તો ન તો રીપેર થાય છે કે ન તો નવો બને છે. હાલ ચોમાસુ ચાલી રહયું હોઇ આ રસ્‍તો રાહદારીઓ, વાહન ચાલકો માટે વધુ જોખમી બની રહયો છે.

આ રસ્‍તાનું કામ તાત્‍કાલીક હાથ ધરાય એ માટે વાંકાનેરના મહારાજા-સાંસદ કેશરીસિંહ ઝાલાએ થોડા દિ' પુર્વે પોતાના કાર્યાલય ખાતે પત્રકારોને ખાત્રી આપી હતી કે આ રસ્‍તો રાજય સરકાર બનાવી આપશે. જેને પણ આજે બે મહિના જેટલો સમય વિતી ચુકયો છે. ભાટી ટીવી તથા સ્‍થાનીક સોશ્‍યલ મીડીયામાં પણ આ રસ્‍તા મુદ્દે વહીવટી તંત્રનું ધ્‍યાન દોરી, લોકોની પરેશાનીઓને વાચા અપાઇ હતી.

હવે ફરી આ રોડ પ્રશ્ને કલેકટરશ્રી મોરબીને રજુઆત કરવામાં આવી છે અને કલેકટરશ્રી આ રોડ પ્રશ્ને જે તે સંબંધીત વિભાગને સુચના આપી તુરંત કામગીરી હાથ ધરાય તેવું જણાવાયું છે.

(12:07 PM IST)