તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
કેશોદમાં પાણી સમસ્યા ગંભીરઃ પાલીકા દ્વારા એક માસમાં માત્ર ૬ દિવસ પાણી વિતરણ!
પાણી પાછળ કરોડોના ખર્ચા, દૈનિક ૮૦ લાખ લિટર પાણીનું વિતરણ છતાં કેશોદ વાસીઓ તરસ્યા! : નગરપાલિકાના અસ્તિત્વમા આવ્યા ને ચાર દશકા બાદ પણ પીવાના પાણી ની કટોકટી વચ્ચે મહિલાઓમાં આક્રોશઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે દરેક વિસ્તારમાં પાંચ દિવસના બદલે દરરોજ અથવા દર બીજા દિવસે પાણી વિતરણ થાય તે માટે પાલિકામાં આગામી સમયમાં ચૂંટાઈને આવનાર નવી ‘‘બોડી'' પાસે શહેરના વર્ષો જૂના પ્રાણ ‘‘સમાન પાણી''નું નિરાકરણ લાવવા લોકોની સ્વાભાવિક અપેક્ષા

( સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. રરઃ આઝાદીના ૭૮ વર્ષ જેવો સમય વીતી ગયો અને કેશોદ નગર પંચાયતમાંથી નગરપાલિકા મા રૂપાંતર થયા ને પણ ચાર દશકા જેવો સમય થઈ ગયો છતાં પણ પ્રાણ પ્રશ્ન સમા પાણી પ્રશ્ને કેશોદ શહેરનો પીછો છોડ્યો નથી. પીવા ના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ કેશોદ વાસીઓ પાણી માટે તરસ્યા જણાઈ રહ્યા છે. પાણી વેરા પેઠે વાર્ષિક રૂપિયા ૯૨૦ ઉઘરાવતી સ્થાનિક નગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં આખા વર્ષમાં માંડ ૭૨ દિવસ અર્થાત એક મહિનામાં માત્ર ૬ દિવસ પીવાનુ પાણી વિતરણ કરવામાં આવે છે, અને એ પણ લિમિટેડ સમય માટે! જોકે આ સ્થિતિ માત્ર સ્થાનિક કેશોદ શહેરની જ નથી પરંતુ સમગ્ર કેશોદ પંથકની છે. કયારેક પાણી પ્રશ્ને જાહેરમાં મામલો ગરમાવો પણ જોવા મળે છે.
ખાસ કરીને ઉનાળાની શરૂઆતથી પાણીની કટોકટી અનુભવતી મહિલાઓ ઘરની બહાર નીકળી જાહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દરરોજ અથવા દર બીજા દિવસે પાણી મળી રહે તેવી માંગ સાથે ભારે આક્રોશ વ્યક્ત કરતી જોવા મળે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મત માગવા આવતા ઉમેદવારોને પણ મહિલાઓ પાણી પ્રશ્ને મૂંઝવી દેતી હોવાનું જોવા મળેછે.
હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ઊભો થયેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળી કેશોદ મતવિસ્તારમાં થી જિલ્લા પંચાયતની ૪ બેઠક પરથી ૧૩, તાલુકા પંચાયતની ૧૮ બેઠક પરથી ૫૮ અને નગરપાલિકાની ૩૫ બેઠક પરથી ૯૨ ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે. પાણી વિતરણ ની કામગીરી સ્થાનિક પાલિકા હસ્તક હોય છે અને આગામી તારીખ ૨૬ ના રોજ પાલિકાની ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યારે પાણી સમસ્યા ના નિરાકરણની આશા સાથે મહિલાઓ દ્વારા આપવામાં આવતા તીવ્ર પ્રત્યાઘાતો અંગેના લગભગ દરરોજ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા જોવા મળે એ સ્વાભાવિક છે. જોકે મુખ્યત્વે ઉનાળા દરમિયાન પાણીની સ્થિતિ તંત્ર વાહકો માટે પણ પડકારરૂપ બની જતી હોય છે. પરંતુ આ અંગે તંત્ર ની પણ એક મર્યાદા હોય છે.
સ્થાનિક કેશોદની પાણી અંગેની સ્થિતી જોઈએ તો આ વિસ્તારના લોકો માત્ર નળ દ્વારા આવતા પાણી પર જ આધારિત હોય શહેરના પ્રત્યેક નવ વોર્ડ ના જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક નગરપાલિકા ના માધ્યમથી નળ દ્વારા દર પાંચમા દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ સ્થિતિ વચ્ચે પાંચ દિવસ સુધી પાણી વગર ચલાવવું મુશ્કેલ હોય આ માટે આ વિસ્તારમાં જ્યારે મકાનનું બાંધકામ થતું હોય ત્યારે પ્રથમ પાણીની સમસ્યાને ધ્યાને લઈ જમીનમાં પાણીના પૂરતા સંગ્રહ માટે મોટા ટાંકા બનાવવામાં આવે છે. જો વ્યક્તિએ કેશોદમાં રહેવું જ હોય તોપાણીની કપરી સ્થિતિ ને પહોંચી વળવા પાણીના સંગ્રહ માટે આવા ટાંકા ની વ્યવસ્થા કરવી દરેક માટે અનિવાર્ય બની ગયેલ છે. અમુક સંજોગોમાં કોઈ ટેકનીકલ ખામીના કારણે જો પાણીનું વિતરણ એકાદ બે દિવસ મોડું થાય તો લોકોની હાલત કફોડી બની જાય છે. ખાસ કરીને ગળહ કાર્ય નું મેનેજમેન્ટ કરતી મહિલાઓ માટે પાણી સમસ્યા ભારે અસહ્ય બની જાય છે. પાણી વિતરણની કયારેક અનિયમિત સ્થિતિ ઊભી થાય ત્યારે પાણીની રાહમાં ઘરકામ નું ટાઈમ ટેબલ ખોરંભાય જતું હોય છે, પાણીને ધ્યાનમાં લઇ મહિલાઓ કોઈ કામ સબબ બહાર જઈ શકતી નથી. આ એક કેશોદની કડવી વાસ્તવિક સ્થિતિ છે!
કેશોદ શહેરને પીવાનું પાણી મળી રહે તે માટે દરરોજ ઓજત ડેમ - ૨ માંથી પાઇપ લાઈનો દ્વારા મેંદરડાના દેવગઢ હેડ સંપ માં અને ત્યાંથી અત્રેના રાણીંગપરા ખાતે ત્રાંગણશા પીર ડુંગર નજીક બનાવવામાં આવેલ જળસ્ત્રોત એકત્રિત કરવા માટેના બનાવવામાં આવેલ સંપ માથી સ્થાનિક કેશોદમાં બનાવવામાં આવેલ સંપ અને તેમાંથી પી. એસ. આર. ( ઉંચી બનાવવામાં આવેલ ટેન્ક) માં પાણી ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ ક્રમ મુજબ જુદા જુદા વિસ્તારોમાં નળ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે.
જો કયારેક કોઈ અપસેટ સર્જાય તો ટેન્કર દ્વારા જે તે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
સ્થાનિક નગરપાલિકાના સંબંધિત સૂત્રોના જણાવ્યા મુજબ કેશોદ શહેરમાં પ્રતિદિન લગભગ ૮૦ લાખ લીટર જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાણી વિતરણ માટે વોર્ડ વાઈઝ ટાઈમ ટેબલ બનાવવામાં આવેલ છે, જે મુજબ કયારેક ટેકનિકલ ક્ષતી જેવા સંજોગોને બાદ કરતા દર પાંચમા દિવસે નિયમિત પાણી નું જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. દરેક એરિયામાં કનેક્શનોની સંખ્યાને ધ્યાને લઈ દોઢ કલાક કે તેથી વધુ સમય માટે પાણી આપવામાં આવે છે. પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા ૧૪ સંપ તથા ૧૬ પી. એસ. આર. બનાવવામાં આવેલ છે. એમાંથી દરરોજ પાણીનું વિતરણ થાય છે.
એક સમયે વસ્તી અને વિસ્તાર ની દ્રષ્ટિએ વામન ( નાનુ ) ગણાતું કેશોદ શહેર વસ્તી અને વિસ્તાર ની દ્રષ્ટિએ વિરાટ ( મોટુ ) બની ગયેલ છે.
અગાઉ માત્ર એકાદ કિલોમીટરના અંતરમાં વસેલું કેશોદ શહેર આજે પૂર્વ થી પヘુિમ તરફ આશરે ૭ કિલોમીટર
તથા ઉત્તરથી દક્ષિણ તરફ આશરે ૬ કિલોમીટર જેટલું વિસ્તરી જવા પામેલ છે.
રાજાશાહી યુગના સાક્ષી રહેલ જૂની પેઢીના વડીલો જણાવી રહ્યા છે કે, અગાઉ નળ ની વ્યવસ્થા હતી નહીં. ત્યારે પીવાના અને વાપરવાના પાણી માટે કુવા નો ઉપયોગ કરવામાં આવતો. કેશોદમાં અગાઉ પણ પાણીની સમસ્યા હતી અને આજે પણ પાણીની સમસ્યા યથાવત જણાઈ રહેલ છે. જોકે હવે કૂવામાંથી સિંચીને પાણી ભરવાનો સમય નથી. પ્રવર્તમાન સમયમાં બોરમાં પાણી હોવા જેવા અપવાદરૂપ કિસ્સા બાદ કરતા લગભગ શહેરના તમામ લોકોએ માત્ર અને માત્ર નગરપાલિકા ના માધ્યમથી નળ દ્વારા વિતરણ કરવામાં આવતા પાણી પર જ આધાર રાખવો પડે છે.આ વિસ્તાર ના કેટલાય ભાગોમાં અસમીઓ દ્વારા જમીનને વીંધીને લગભગ એક એક હજાર ફૂટ જેટલા લાખો રૂપિયાના ખર્ચે ઊંડા બોર બનાવવામાં આવેલ છે. આમ છતાં આવા બોર ખાસ કરીને ઉનાળામાં નિષ્ફળ જણાઈ રહ્યા છે.
જુનાગઢ - વેરાવળ હાઈવે પર વસેલું,જુનાગઢ જિલ્લા મા એકમાત્ર કેશોદ શહેરમાં રેલવે સ્ટેશન, એસ.ટી બસ સ્ટેશન ઉપરાંત એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ છે. જે જોતા વ્યવસાયિક રીતે પ્રગતિ કરી શકે તેવું લોકેશન આ શહેર ધરાવે છે. પરંતુ કેશોદ વિસ્તારમાં કોઈ મોટા જળાશયો કે પાણીનાસ્ત્રોત નથી, જરૂરી પૂરતા પાણીનાસ્ત્રોત ના અભાવે આ વિસ્તારમાં કોઈ મોટા ઉદ્યોગો પ્રસ્થાપિત થયેલ નથી. કેશોદ તાલુકાના લોકોએ વ્યવસાયિક રીતે મુખ્યત્વે કુદરત આધારિત ખેતી ઉદ્યોગ પરજ આધાર રાખવો પડે છે. પ્રવર્તમાન સંજોગોમાં પીવાનું પાણી પણ દરરોજ મળવું મુશ્કેલ છે ત્યારે આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમની આશા તો કેમ રાખી શકાય ?!
ખાસ કરીને હાલ ઉનાળા જેવી સીઝન વચ્ચે પાણીની જરૂર વધુ પડતી રહેતી હોય આવા સંજોગોમાં કોઈપણ કારણોસર કયારેક માત્ર લિમિટેડ સમય માટે પાણી નું અનિયમિત વિતરણ થાય ત્યારે રીતસર શહેરમાં પાણીનો પોકાર પડી જાય છે. સરકાર દ્વારા વર્ષોથી પાણી ની વ્યવસ્થા માટે કરોડો રૂપિયા ના ખર્ચા કરવામાં આવે છે આમ છતાં તંત્ર વાહકો દ્વારા દરરોજ નિયમિત પાણી આપી શકાય તેવી આજદિન સુધી કોઈ વ્યવસ્થા થઈ શકેલ નથી. એ પણ એક વરવી વાસ્તવિકતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૮ / ૧૦ / ૧૯૮૬ ના રોજ કેશોદ નગર પંચાયત માંથી નગરપાલિકામાં રૂપાંતર થયું. જેને આગામી ઓગસ્ટ માસમાં ૪૦ વર્ષ પુરા થશે. કેશોદમાં નગર પંચાયતમાંથી નગરપાલિકા બનતા ખાસ કરીને શહેરની પ્રાણ પ્રશ્ને સમી પાણી સમસ્યા નું નિરાકરણ આવશે. તેવું લોકો માની રહ્યા હતા પરંતુ શહેરમાં આજે પણ પાણીની સમસ્યા ગંભીર જણાઈ રહી છે. આ અંગે જાણકારોએ જણાવેલ કે, એક વાત ચોક્કસ છે કે, નગરપાલિકા બન્યા બાદ શહેરનો વિકાસ તેજ ગતિએ થયો છે. સાથે શહેરમાં રસ્તાઓ, લાઈટો, ગટર, સફાઈ ઉપરાંત સહિત ની અનેકવિધ પ્રાથમિક સલતો ઉપલબ્ધ થયેલ છે. પરંતુ અતિ આવશ્યક એવી પાણી અંગેની સવલત
ને સૌથી પ્રથમ પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રોડ - રસ્તા, ગટર, લાઈટો સહિતની પ્રાથમિક સુવિધાઓ આવકાર્ય છે. પરંતુ પાણીની આવશ્યક સુવિધા જીવન જરૂરી હોય , કદાચ અન્ય પ્રાથમિક સુવિધાઓ છ મહિના, વર્ષ, બે વર્ષ કે પાંચ વર્ષ મોડી ઉપલબ્ધ થાય તો ચાલે પરંતુ પાણી વગર એક દિવસ પણ ચાલે નહીં. હાલ એક માસના ૩૦ દિવસમાં કલાકથી દોઢ કલાક માટે માંડ ૬ દિવસ પાણી આપવામાં આવે છે. ત્યારે પાણી વિતરણ ની સેવા અતિ આવશ્યક હોય નળ દ્વારા પાણી વિતરણની સેવા દૈનિક ધોરણે અથવા દર બીજા દિવસે દરેક વિસ્તારમાં લોકોના ઘરે મળી રહે તે સમયની માંગ હોય અંગેના ગંભીરતાથી પ્રયાસો હાથ ધરવા અતિ આવશ્યક છે .
દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડધમ વાજા વાગી રહ્યા છે. આગામી તારીખ ૨૬ ના રોજ મતદાન અને ૨૮ ના રોજ ચૂંટણી પરિણામો જાહેર થનાર ત્યારે દરેક વિસ્તારમાં દરરોજ અથવા દર બીજા દિવસે પાણીનું વિતરણ થાય તે માટે આગામી સમયમાં પાલિકામાં પ્રવર્તમાન ચૂંટણીમાં ચૂંટાઈને આવનાર નવી શ્ન બોડી શ્ન પાસે વર્ષો જૂના પ્રાણ પ્રશ્ન સમા પાણી પ્રશ્નનું નિરાકરણ લાવવા લોકોની અપેક્ષા સ્વાભાવિક રીતે રહેશે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
