News of Friday, 29th May 2026
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનું જળસ્તર ઘટતા સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પુરવઠો બંધઃ ૫ હજાર ગામોને અસર
નર્મદા કેનાલ રિપેરિંગના કારણે પાણી ન આવતાં ૧૩ ફૂટે પહોંચ્યો ડેમ :હવે માત્ર સુરેન્દ્રનગર શહેરને જ અપાશે પાણી, ૧૦ જિલ્લાના ગામોમાં જળસંકટના એંધાણ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૦થી વધુ જિલ્લાઓના ૫ હજારથી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમનું જળસ્તર ઘટી જતાં તંત્રએ મોટો નિર્ણય લીધો છે. આજથી ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર-કચ્છને અપાતું પાણી સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. હવે ડેમમાંથી માત્ર સુરેન્દ્રનગર શહેરને જ પાણી પુરું પાડવામાં આવશે. ૧૦ દિવસ પહેલા ડેમમાં ૨૦ ફૂટ પાણી હતું જે હવે ઘટીને માત્ર ૧૩ ફૂટ રહ્યું છે. રોજ એક ફૂટ જેટલી સપાટી ઘટી રહી છે. નર્મદાની કેનાલો રિપેરિંગના નામે છેલ્લા ૧૦ દિવસથી બંધ હોવાથી ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી ધોળીધજા ડેમ સુધી પાણી પહોંચી શકતું નથી. ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. તંત્ર દ્વારા આજે વહેલી સવારથી સૌની યોજના અને કેનાલો મારફતે સૌરાષ્ટ્ર-કચ્છને અપાતું પાણી વિતરણ બંધ કરી દેવાયું છે. જો પાણી ચાલુ રખાય તો માત્ર ૧૦ દિવસ ચાલે તેટલું જ પાણી ડેમમાં બચ્યું હોવાનું સિંચાઈ વિભાગના કર્મચારી દેવાભાઈએ જણાવ્યું હતું. હાલ ડેમમાંથી માત્ર પીવાના પાણી માટે જ પુરવઠો અપાઈ રહ્યો છે, સિંચાઈ માટેનું પાણી બંધ કરાયું છે. આ નિર્ણયથી કચ્છ, બોટાદ, વાંકાનેર, મોરબી, રાજકોટ, હળવદ, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત ૧૦થી વધુ જિલ્લાના ૫ હજારથી વધુ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની શકયતા છે. આ તમામ ગામોને ધોળીધજા ડેમમાંથી નર્મદા કેનાલ અને સૌની યોજના થકી પાણી મળતું હતું. ધોળીધજા ડેમનું સ્તર ઘટતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પાણી વિતરણ સિસ્ટમ પણ પાણીની સપાટીથી બહાર આવી ગઈ છે. પાલિકા દ્વારા ૧૦ ટીમો લગાવીને સિસ્ટમને અંદર ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. શહેરમાં પહેલા ત્રણ દિવસે પાણી મળતું હતું, હવે પાંચથી સાત દિવસે વિતરણ કરાઈ રહ્યું છે. દૂધરેજ, ખેરાળી, માળોદ, મૂળચંદ સહિતના ગામોમાં બોરનું પાણી મિશ્ર કરીને પુરવઠો અપાઈ રહ્યો છે. સિંચાઈ વિભાગના દેવાભાઈએ જણાવ્યું કે, ‘‘ડેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હવે નર્મદાની કેનાલો ચાલુ થાય અને ડેમમાં પાણી આવે ત્યારબાદ જ સમસ્યાનો નિવેડો આવશે.''
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
