<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

વિડીયો બનાવનાર કોંગ્રેસી સંડોવાયેલ કોઇને છોડીશું નહી : જીતુભાઇ સોમાણી

ભાજપ અને મને નુકશાન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

(લિતેશ-ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૮: મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાંકાનેરના ભાજપના ધારાસભ્‍યનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસને મત આપવા માટે થઈને કહેતા હોય તેવું સાંભળવા અને જોવા મળી રહ્યું છે અને આ બાબતે ધારાસભ્‍યનો સંપર્ક કરતા તેમને જણાવ્‍યું હતું કે વિડીયો બનાવનાર વ્‍યક્‍તિ પ્‍યોર કોંગ્રેસી છે તે મારી ટીખળ કરવા માટે આવ્‍યો હતો જેથી મેં પણ તેની ટીખળ કરી હતી અને કોંગ્રેસને જ મત આપવા માટેનું કહ્યું હતું. અને મેં કયારેય વિધર્મીઓના મત લીધા નથી, મારે વિધર્મીઓના મત જોતા નથી અને આ વિડીયો જાણી જોઈને બનાવીને વાયરલ કરવામાં આવ્‍યો હોવાથી તેના મૂળ સુધી જઈને મને તેમજ ભાજપને નુકસાન કરનારાઓની સામે આગામી સમયમાં હું લીગલી એક્‍શન લઈશ તેવુ ધારાસભ્‍યએ જણાવ્‍યું છે.

સ્‍થાનિક સ્‍થળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી અને તેના પરિણામો પણ જાહેર થઈ ગયા છે અને હવે પદાધિકારીઓની વરણી કરવા માટેની ગતિવિધિ ચાલી રહી છે તેવા સમયે ચૂંટણી પહેલા બનેલો એક વાંકાનેરના ધારાસભ્‍યનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વાંકાનેરના ધારાસભ્‍ય શહેરમાં આવેલ માર્કેટ ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠેલા હોય તેવું જોવા મળે છે અને ત્‍યાં એક વ્‍યક્‍તિ તેઓની પાસે આવે છે અને તે દલડી ગામનો રહેવાસી છે અને તેને ૫૦ વીઘા જમીન છે અને ધારાસભ્‍યએ પાણી છોડાવ્‍યું જેથી તેઓને સારું છે તેવી વાત કરીને ભાજપને મત આપવાની વાત કરતો હોય છે જોકે, સામા પક્ષેથી ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણીએ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસને મત આપવાનું તે વ્‍યક્‍તિને કહેતા હોય તેવું સાંભળવા અને જોવા મળી રહ્યું છે જેથી કરીને આ વાઇરલ વિડીયોના કારણે મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

દરમિયાન વાયરલ થયેલ વિડીયો બાબતે ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, જે વિડીયો વાયરલ કરવામાં આવ્‍યો છે તે વિડીયો બનાવનાર વ્‍યક્‍તિ પ્‍યોર કોંગ્રેસી વ્‍યક્‍તિ છે અને ભાજપને મત આપવાની ટીખળ કરવા માટે તે મારી પાસે આવ્‍યો હતો ત્‍યારે તેણે આ વિડીયો બનાવ્‍યો છે જેથી મેં પણ તેની ટીખળ કરતા કોંગ્રેસને જ મત આપવા માટે તેને કહ્યું હતું. જો કે, હાલમાં આ વિડિયોને જાણી જોઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ભાજપ તથા મને નુકસાન કરવા માટેનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે જેથી આગામી સમયમાં આ સમગ્ર ઘટનાના મૂળ સુધી તપાસ કરાવીને આ વિડિઓ બનાવવા અને વાયરલ કરવામાં જેની પણ સંડોવણી સામે આવશે તેની સામે હું લીગલ એક્‍શન લેવાનો છો તેના માટેની મારી તૈયારી ચાલી રહી છે.

(11:14 AM IST)