હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખેડૂત આંદોલનનો ગેરઉપયોગ કે દલાલી કરનારાઓને આ વખતે છોડીશું નહીં, પ્રસાદી ખાવા તૈયાર રહે - નિલેશભાઈ એરવાડિયા
હોસ્પિટલમાંથી સારવાર લઈને બહાર નીકળતા જ આંદોલનના હિતશત્રુઓ અને વચેટિયાઓને કડક ચેતવણી : અમારી લડાઈ માત્ર જેતપર પૂરતી નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે કાયદો સુધારવાની છે

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: જેતપર ખાતે વીજલાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનના અગ્રણી નિલેશભાઈ એરવાડિયાની ગઈકાલે અચાનક તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે હોસ્પિટલમાંથી સંપૂર્ણ સારવાર લઈને બહાર નીકળતાની સાથે જ નિલેશભાઈ એરવાડિયાએ અત્યંત ઉગ્ર વલણ અપનાવ્યું છે. તેમણે આંદોલનનો પોતાના સ્વાર્થ માટે ગેરઉપયોગ કરનારા તત્વો અને વચેટિયાઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ખેડૂતોના હિત સામે રમત રમીને દલાલી કરનારાઓને આ વખતે કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
પાટીદાર આંદોલન વખતે વચેટિયાઓએ દલાલી સિવાય કશું કર્યું નહોતું:
નિલેશભાઈ એરવાડિયાએ ભૂતકાળના આંદોલનોનો હવાલો આપતા ગંભીર આક્ષેપ કર્યો કે, પાટીદાર અનામત આંદોલન વખતે જે તે સંસ્થાના જે આગેવાનો મધ્યસ્થી બનીને આવ્યા હતા, તેમણે આંદોલનનો પૂરતો દુરુપયોગ કર્યો હતો. એ સંસ્થાના આગેવાનોએ માત્ર વચેટિયા બનીને દલાલી સિવાય કશું જ કર્યું નહોતું. આજે પણ મેં એક સંસ્થાના આગેવાનનું ઇન્ટરવ્યુ સાંભળ્યું છે, જેમને મારે સ્પષ્ટ કહેવું છે કે, તમે જે થાંભલા સેઢે લેવાની અને તારના વળતરની નાની વાતો કરી રહ્યા છો, તેવી અમારી કોઈ ટૂંકી માંગણીઓ નથી.
અમારી લડાઈ સમગ્ર ગુજરાતના ખેડૂત ભાઈઓ માટે કાયદો સુધારવાની છે:
આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ લડાઈ માત્ર જેતપરની વીજલાઈનના પ્રશ્ન પૂરતી સીમિત નથી. અમારી માંગણીમાં આખા ગુજરાત માટે વીજલાઇન સંબંધિત કાયદો સુધારવાની વાત છે, જેથી કરીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને કાયમી ધોરણે મોટો ફાયદો થાય. જે લોકોને આ આંદોલનની ગંભીરતા ખબર નથી, તેઓ હરખપદુડા થઈને આંદોલનમાં આવી બીજી-ત્રીજી વાતો કરી આંદોલનને છિન્નભિન્ન કરવાનો પ્રયાસ ન કરે. જો આવો કોઈ પ્રયાસ થશે તો આ વખતે કોઈને પણ માફ કરવામાં આવશે નહીં, એટલે જેને પણ વચેટિયા થઈને આવવું હોય તે સમજી વિચારીને આવે.
આ આંદોલનમાં ૧૮ આલમ સાથે છે, ખોટું કરનારા પ્રસાદી ખાવા તૈયાર રહે:
નિલેશભાઈ એરવાડિયાએ અંતમાં રણશિંગું ફૂંકતા કડક શબ્દોમાં જણાવ્યું કે, આ વખતે અમે અન્યાય સામે કલર પકડેલા છીએ અને આ આંદોલનમાં કોઈ એક વર્ગ નહીં પણ ૧૮ વરણના તમામ જ્ઞાતિ-જાતિ અને ધર્મ-સંપ્રદાયના ખેડૂત ભાઈઓ એક થઈને જોડાયેલા છે. આ શક્તિને ધ્યાનમાં રાખજો અને જો ક્યાંય પણ ખેડૂતોનો દુરુપયોગ કરવાની કોશિશ કરી તો આ વખતે પ્રસાદી ખાવાની પૂરેપૂરી તૈયારી રાખજો. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આનો યોગ્ય ઉકેલ આવતો હોય અને આંદોલનનો સુખદ અંત આવતો હોય તો અમે તેને આવકારીશું અને શાલ ઓઢાડીને તેમનું સન્માન પણ કરીશું. બાકી જો કોઈએ આંદોલનનો ગેરઉપયોગ કરીને પોતાની દલાલી ચમકાવવાનો પ્રયાસ કર્યો તો આ વખતે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
