<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ગીર ગઢડા પંથકમાં વાતાવરણમાં પલટો: ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો :કેસર કેરીના ખેડૂતોમાં વધી ચિંતા

ભારે પવને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મીની વાવાઝોડાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડવાની અને પાકને નુકસાન થવાની પૂરેપૂરી આશંકા

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ એટલી તીવ્ર હતી કે ત્યાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે અને કુદરતના આ રૌદ્ર સ્વરૂપને જોઈ લોકો ચિંતામાં મુકાયા છે.

ગીર સોમનાથ જિલ્લો ખાસ કરીને તેની વિશ્વપ્રસિદ્ધ કેસર કેરી માટે જાણીતો છે. અત્યારે જ્યારે કેરીની સીઝન પૂરબહારમાં ખીલી છે અને પાક તૈયાર થવાના આરે છે, ત્યારે જ આ કમોસમી વરસાદ અને ભારે પવને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મીની વાવાઝોડાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડવાની અને પાકને નુકસાન થવાની પૂરેપૂરી આશંકા છે. કેસર કેરી પકવતા ખેડૂતો માટે આ માવઠું આર્થિક રીતે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

 

ગીર ગઢડા તાલુકાના અલગ-અલગ ગામોમાં વરસાદનું પ્રમાણ પણ અલગ જોવા મળ્યું છે. હરમડીયા, પૂછવી, એભલવડ, ધોકડવા અને બેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, તો ક્યાંક પવન સાથે સામાન્ય વરસાદ નોંધાયો છે. માત્ર કેરી જ નહીં, પરંતુ ઉનાળુ પાક અને ઘાસચારાને પણ આ વરસાદથી નુકસાન થવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.

 

ભારે પવન સાથે ફૂંકાયેલા આ મીની વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ નુકસાન કર્યું છે. તોફાની પવનના કારણે આંબાવાડિયામાં મોટા પાયે પાકનું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારે પવનને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો હજુ પણ હવામાન આવું જ રહ્યું તો બચેલો પાક પણ બચાવવો મુશ્કેલ બની જશે. હાલમાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ ઠંડક આફત સમાન બની છે.

હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે કૃષિ નિષ્ણાતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે પાકમાં જીવાત પડવાની અને ગુણવત્તા બગડવાની શક્યતા વધી જાય છે. ગીર ગઢડા પંથકના ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીના સર્વેની અને વળતરની આશા રાખી રહ્યા છે. કુદરતી આફત સામે લાચાર ખેડૂત અત્યારે માત્ર આકાશ તરફ મીટ માંડીને બેઠો છે કે વહેલી તકે વાતાવરણ ચોખ્ખું થાય અને તેમની બાકીની મહેનત બચી જાય.

(6:49 PM IST)