News of Tuesday, 22nd September 2026
ગોહિલવાડમાં બફારા વચ્ચે વાતાવરણ પલટાયું: ગારીયાધાર અને મહુવામાં એક ઇંચથી વધુ વરસાદ
બપોર સુધી ભાવનગરમાં કાળઝાળ ગરમી અને બફારાનું સામ્રાજ્ય રહ્યું જોકે, સાંજે ૪ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આજે વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેના પગલે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટાંથી લઈને એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે મંગળવારે બપોર સુધી ભાવનગરમાં કાળઝાળ ગરમી અને બફારાનું સામ્રાજ્ય રહ્યું હતું. જોકે, સાંજે ૪ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ ઘેરા વાદળોથી આચ્છાદિત થઈ ગયું હતું. ગોહિલવાડ પંથકમાં સર્જાયેલા આ વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના ગારીયાધાર અને મહુવા તાલુકામાં બપોરના સમયે વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી અને એક ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત તળાજા અને ઉમરાળા તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
આજે સાંજના ૬ વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદ માં ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં સૌથી વધુ ૩૦ મી.મી. (એક ઇંચથી વધુ) અને મહુવામાં ૨૧ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં ૭ મી.મી. અને ઉમરાળામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૬.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા જેટલું ઊંચું રહેવા પામ્યું હતું, જેના કારણે દિવસ દરમિયાન નાગરિકોએ અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે પવનની સરેરાશ ઝડપ ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. વરસાદી માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
