તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
આદ્રા બેસતા જ વાતાવરણ પલટાશે, ચોમાસામાં આવશે સાર્વત્રિક વરસાદના ૩ મોટા રાઉન્ડ : કિશોર ભાડજા
ગુજરાતમાં ચોમાસાને લઈને મોટી આગાહી : અલનિનોની આગાહી એકી ઝાટકે ધોવાઈ જશે

(જયેશ ભટાસણા) ટંકારા : ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે આકાશ દર્શનના જાણીતા નિષ્ણાત કિશોરભાઈ ભાડજા દ્વારા નક્ષત્રોની ગણતરી અને લોકમાન્યતાઓના આધારે વરસાદનું સચોટ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તેમની આગાહી મુજબ, આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદના ત્રણ મોટા રાઉન્ડ જોવા મળશે, જ્યારે બાકીના દિવસોમાં હળવો, મધ્યમ અને છૂટોછવાયો વરસાદ રહેશે.
૨૨ જૂનથી ‘આદ્રા' બેસતા જ મેઘરાજાની એન્ટ્રી ચોમાસાનું ‘ધોરી નક્ષત્ર' ગણાતા આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ ૨૨ જૂન ૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૧૩:૨૭ મિનિટે થશે. આ સમયે ચંદ્ર નક્ષત્ર ‘હસ્ત'રહેશે, જ્યારે વાહન ‘ગધેડું'છે. આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ હવામાનમાં મોટો પલટો આવશે. શરૂઆતમાં ધીમે-ધીમે વરસાદનો વિસ્તાર વધશે.
વાવણી લાયક મોટો રાઉન્ડ : તા. ૧ થી ૬ જુલાઈ (આદ્રા નક્ષત્રના અંત ભાગમાં) સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ સાર્વત્રિક મોટો રાઉન્ડ આવશે. જેનાથી મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક ઉત્તમ વરસાદ થઈ જશે. કહેવત છે કે, ‘રોહિણી તપે, મળગશીર્ષ વાયુ વાય તો આદ્રામાં મેં થાય', જે આ વર્ષે સાર્થક થતી જોવા મળશે.
પુનર્વસુ નક્ષત્રમાં વાહન ‘ઘોડો' : જુલાઈમાં બીજો મોટો રાઉન્ડ તા. ૬ જુલાઈ ૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૧૨:૦૪ મિનિટે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયે ચંદ્ર નક્ષત્ર ‘પૂર્વ ભદ્રા' અને વાહન ‘અશ્વ'(ઘોડો) રહેશે.
વાવણી સંપન્ન થયા બાદ ૧૪ થી ૧૭ જુલાઈ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે. ત્યારબાદ પુષ્પ નક્ષત્ર બેસતા જ, તા. ૨૦ થી ૨૪ જુલાઈ દરમિયાન વરસાદનો બીજો સાર્વત્રિક મોટો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ બાદ પવનનું જોર (મોટું વાયરૂ) વધશે. લોકબોલીમાં પુનર્વસુને ‘વૈખ' અને પુષ્પને ‘પૈખ' તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ‘વાદીલા નક્ષત્ર' ગણાય છે. જો વૈખમાં વાયુ (પવન) વાય તો પૈખમાં પણ વાયુ વાય, અને જો વૈખમાં વરસાદ થાય તો પૈખમાં પણ વરસાદ થાય જ છે.
ઓગસ્ટમાં ત્રીજો સૌથી મહત્વનો રાઉન્ડ : આખા વર્ષનો મદાર આ ગાળા પર જુલાઈના મોટા રાઉન્ડ બાદ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશતા વરસાદ છૂટોછવાયો થઈ જશે. જો કે, ખરાખરીનો ખેલ ઓગસ્ટ માસમાં જોવા મળશે. સૂર્ય મઘા નક્ષત્રના મધ્ય ભાગથી ઉતરતા, તા. ૨૩ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન વરસાદનો ત્રીજો સાર્વત્રિક મોટો રાઉન્ડ આવશે.
કિશોરભાઈ ભાડજાના જણાવ્યા અનુસાર, આ વર્ષના સમગ્ર ચોમાસાનો મુખ્ય મદાર આ ઓગસ્ટના રાઉન્ડ પર રહેશે. આ રાઉન્ડ બાદ ચોમાસું ધીમે-ધીમે નબળું પડવા તરફ આગળ વધશે.
ચોમાસાનો અંતિમ તબક્કો : ચોમાસાના પાછલા નવરાશના દિવસોમાં સૂર્ય જ્યારે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં હશે, ત્યારે માત્ર છૂટોછવાયો અને હળવોથી મધ્યમ વરસાદ જ જોવા મળશે. એકંદરે, આ વર્ષે નક્ષત્રોની ચાલ જોતા ત્રણ મોટા રાઉન્ડમાં ધરતીપુત્રો તળપ્ત થાય તેવા સાર્વત્રિક વરસાદના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. કિશોરભાઈ ભાડજા (મો. ૯૫૮૬૫૯૦૬૦૧)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
