<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

શેત્રુંજી ડેમમાં નવા નીરના વધામણા: મેયર સહિતના પદાધિકારીઓએ કરી શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના

નવા નીરના આગમનથી ભાવનગરવાસીઓમાં પણ પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા હળવી થતાં આનંદની લાગણી પ્રસરી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ખાતે આજે નવા નીરના વધામણા નિમિત્તે એક ભવ્ય ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ ચોમાસાની સીઝનમાં ડેમમાં નવા પાણીની આવક થતાં વહીવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા જળદેવતાનાપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ મંગલ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, વરિષ્ઠ અધિકારી ફાલ્ગુન શેઠ તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ શેત્રુંજી ડેમના કિનારે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી અને પવિત્ર જળને શ્રીફળ તેમજ ચુંદડી અર્પણ કરી નવા નીરને હર્ષભેર વધાવ્યા હતા.
આ તકે મેયર અને કમિશનરે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, શેત્રુંજી ડેમમાં નવા પાણીની આવક એ સમગ્ર જિલ્લા માટે ઉત્સાહવર્ધક છે. તેમણે પ્રાર્થના કરી હતી કે આગામી દિવસોમાં જિલ્લામાં ખૂબ સારો વરસાદ વરસે, જળાશયો સંપૂર્ણ છલકાય અને જગતનો તાત ગણાતો ખેડૂત સદ્ધર બને, જેથી સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે.
સમગ્ર પૂજન વિધિ દરમિયાન મંત્રોચ્ચાર સાથે વાતાવરણ અત્યંત ભક્તિમય અને શ્રદ્ધાભેર બની ગયું હતું. નવા નીરના આગમનથી ભાવનગરવાસીઓમાં પણ પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા હળવી થતાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ચોમાસાની શરૂઆતમાં જ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. છેલ્લા છ વર્ષથી સતત શેત્રુંજય ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.

(6:49 PM IST)