News of Monday, 29th June 2026
"પાક બળી ગયા પછી ડેમ ભરીને શું ફાયદો?"વરસાદ ખેંચાતા ધરતીપુત્રો સંકટમાં: મોંઘોદાટ પાક બચાવવા 'સૌની યોજના'નું પાણી છોડવા જામનગર જીલ્લાના જોડિયાના ખેડૂતોની ઉગ્ર માંગ
જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ ન પડતાં મગફળી-કપાસનો આગોતરો પાક મુરઝાયો, વીઘે 10-15 હજારનો ખર્ચ ધોવાઈ જવાની ભીતિ, નેસડા ગામના ખેડૂતોનો આક્રોશ: , તમામ ડેમ નર્મદાના નીરથી ભરી કેનાલોમાં તાકીદે પાણી છોડવા સરકારને અલ્ટીમેટમ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૯ : ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ હોવા છતાં જામનગર જિલ્લામાં હજી સુધી વાવણી લાયક સાર્વત્રિક વરસાદ ન પડતાં ધરતીપુત્રો ભારે મૂંઝવણમાં મુકાયા છે. વર્ષોની પરંપરા મુજબ જૂન મહિનામાં અહીં સાર્વત્રિક વરસાદ થઈ જતો હોય છે, જેને ધ્યાને રાખીને અનેક ખેડૂતોએ મગફળી, કપાસ સહિતના ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરી દીધું હતું. પરંતુ કુદરત રૂઠતાં હવે આ મોંઘોદાટ પાક પાણી વિના મુરઝાઈ રહ્યો છે.
જોડિયા તાલુકાના નદીકાંઠા અને કેનાલ કાંઠાના વિસ્તારોમાં ખેડૂતોએ મોટા પાયે આગોતરું વાવેતર કર્યું છે. હાલની સ્થિતિએ ખેડૂતોએ બિયારણ, ખાતર અને મજૂરી પેટે એક વીઘા દીઠ રૂ. 10,000 થી 15,000 નો માતબર ખર્ચ કરી નાખ્યો છે. પરંતુ વરસાદ ખેંચાતાં પાક પાણી માટે વલખાં મારી રહ્યો છે. જો આગામી થોડા દિવસોમાં પાણી નહીં મળે, તો ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે અને તમામ મૂડી ધોવાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
આવી કપરી સ્થિતિ વચ્ચે જોડિયા તાલુકાના નેસડા ગામના ખેડૂતોએ આક્રોશ સાથે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે. સ્થાનિક ખેડૂતોએ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "જો પાક બળીને ખાખ થઈ જશે, ત્યારબાદ ડેમો ભરીને પાણી છોડવાનો શો ફાયદો? રાજ્ય સરકારની કરોડો રૂપિયાની 'સૌની યોજના' અત્યારે સંકટના સમયે કામ નહીં આવે તો ક્યારે આવશે? શું તંત્ર પાક નિષ્ફળ ગયા પછી પાણી આપશે?"
વરસાદના અભાવે મુંઝાયેલા ખેડૂતોએ સરકાર સમક્ષ તાકીદે પગલાં લેવા માંગ કરી છે કે, સૌની યોજના અંતર્ગત જામનગર જિલ્લાના તમામ નાના-મોટા ડેમોને નર્મદાના નીરથી તાત્કાલિક ભરવામાં આવે અને ડેમો ભર્યા બાદ નદીઓ તેમજ સ્થાનિક કેનાલોમાં તાકીદે પાણી છોડવામાં આવે જેથી કરીને સુકાતો પાક બચાવી શકાય.
આગામી દિવસો જામનગરના કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ કટોકટીપૂર્ણ છે. જો સરકાર દ્વારા 'સૌની યોજના'ના સદુપયોગમાં વિલંબ કરવામાં આવશે, તો જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાઈ જશે તે નક્કી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
