News of Tuesday, 30th June 2026
ચોટીલાથી પૂનમ ભરીને પરત આવતી વખતે રોજડુ આડે આવ્યું: બાઇક સ્લીપ થતાં દંપતિ ખંડીત થયું
આણંદપર ચોકડીએ બાઇક સ્લીપ થતાં કમળાપુરના રમેશમાઇ મીઠાપરાનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુઃ પત્નિ શોભનાબેનનો ઇજા સાથે બચાવઃ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૩૦: ચોટીલા નજીક આણંદપુર ચોકડી પાસે જીવલેણ વાહન અકસ્માત સર્જાયો છે. જસદણના કમળાપુરના પતિ-પત્નિ ચોટીલા પૂનમ ભરી દર્શન કરી બાઇક પર બેસી પરત કમળાપુર જતાં હતાં ત્યારે રસ્તા પર અચાનક રોજડુ આવી જતાં બાઇક સ્લીપ થતાં પતિ-પત્નિ બંનેને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ પતિનું મોત થતાં દંપતિ ખંડીત થયું હતું.
જાણવા મળ્યા મુજબ જસદણના કમળાપુર ગામે રહેતાં રમેશભાઇ વસ્તાભાઇ મીઠાપરા (ઉ.વ.૫૦) ગઇકાલે પૂનમ હોઇ હોન્ડા લઇને ચોટીલા દર્શન કરવા ગયા હતાં. તેમની સાથે ધર્મપત્નિ શોભનાબેન (ઉ.વ.૪૬) પણ હતાં. બંને સાંજે સાતેક વાગ્યે દર્શન કરી પરત કમળાપુર જવા નીકળ્યા ત્યારે ચોટીલાની આણંદપુર ચોકડીએ પહોંચ્યા ત્યારે રોડ પર રોજડુ દોડીને આવતાં રમેશભાઇએ બેલેન્સ ગુમાવતાં હોન્ડા સ્લીપ થઇ જતાં પતિ-પત્નિ બંને રોડ પર ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી.
જેમાં રમેશભાઇએ માથા, શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે ચોટીલા ખસેડાયા હતાં. જ્યાં પત્નિ શોભનાબેનને પ્રાથમિક સારવાર અપાઇ હતી. રમેશભાઇને ગંભીર ઇજા હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ બનાવ અંગે આણંદપર મોલડી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રમેશભાઇ મીઠાપરા-કોળી બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમના મૃત્યુથી એક દિકરા અને એક દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. દિકરાના લગ્ન થઇ ગયા છે. દિકરી અપરિણીત છે. બનાવને પગલે મીઠાપરા પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
