તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
રણમાં ગુંજેલી મોતની ચિચિયારીઓ માટે જવાબદાર કોણ? પેટનો ખાડો પુરવા વતનથી દૂર આવેલા શ્રમિકો? બોલેરોમાં ૩૨ મજૂરોને ઠાંસી ઠાંસીને ભરનાર કોન્ટ્રાક્ટર કે બેલગામ બલ્કર ટ્રક?
રણ રસ્તે મર્યાદિત ટ્રાફિક હોવા છતાંય અકસ્માતો વધવાનું કારણ દારૂની બદી? શ્રમ કાયદો, આરટીઓના નિયમ અને પોલીસની કાયદો વ્યવસ્થા ક્યાં ગયા?, અકસ્માતગ્રસ્તો સરકારી કંપની એનટીપીસીના કોન્ટ્રાક્ટર ફલોદી કંપનીના મજૂરો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : ગઈકાલે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા આસપાસ કામદારો કામ કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે કચ્છના ખાવડા પાસે RE પાર્કમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે ફરી એક વખત સવાલો સર્જ્યા છે. સાત સાત માનવ જિંદગીઓનો લેવાયેલો ભોગ અને ૨૫ ઇજાગ્રસ્ત મજૂરોની ચિચિયારીઓ પેટની વેઠ અને શ્રમિકોની સલામતી સામે અંગુલી નિર્દેશ કરે છે.
પોતાના વતન ઉત્તરપ્રદેશ અને બિહારથી સેંકડો કિલોમીટર દૂર કચ્છમાં દુર્ગમ રણ વચ્ચે મજૂરી કરી પેટનો ખાડો પૂરતાં શ્રમિકોની મજબૂરી ગણો કે લાચારી તેઓને અનેક અગવડો વચ્ચે પણ પરિવારનું પાલન પોષણ કરવું પડે છે. અકસ્માતગ્રસ્તો સરકારી કંપની એનટીપીસીની કોન્ટ્રાક્ટર કંપની ફલોદીના મજૂરો હોવાની માહિતી મળી રહી છે. અહીં પ્રશ્ન શ્રમિક કાયદા સામે છે? તે સાથે જ બોલેરો જીપના ડાલામાં ૩૨ મજૂરોને ઠાંસી ઠાંસી ભરાયા તેની સામે પણ છે. આરટીઓ તંત્ર ની કામગીરી સાથે સરહદી વિસ્તારમાં બેલગામ દોડતા ભારેખમ વાહનો સામે પોલીસ કાર્યવાહી સામે પણ છે. રણમાં જ્યાં વાહન વ્યહાર મર્યાદિત હોય એવા રસ્તા ઉપર બોલેરો જીપ સાથે ટકરાયેલા બલ્કર ટ્રક યમદૂત બની ત્રાટકી. શું બલ્કર ટ્રકનો ચાલક નશામાં હતો? ખાવડા પંથકમાં બ્રોમાઈન અને રિન્યુએબલ એનર્જી RE પાર્કના વિકાસ સાથે દારૂની બદી વધી છે. મહાકાય વાહનો ચલાવતા ચાલકો અનુભવી હોવા જરૂરી છે. માનવ જિંદગીઓના ભોગે કાયદાનો ઉલાળિયો કરનારાઓની સામે સરકાર અને વહીવટીતંત્ર કડક બને એ જરૂરી છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
