<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કચ્‍છના વરસામેડી ગામે પત્‍નીના પ્રેમીએ કરી પતિની હત્‍યા

લોખંડના સળિયાથી હત્‍યા કરી, કરવત વડે લાશના બે ટૂકડા કરી બે કોથળામાં ભરી તળાવમાં ફેંકી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮: અંજાર તાલુકાના વરસામેડી ગામમાં તળાવ નજીકથી પ્‍લાસ્‍ટિકના બે કોથળામાંથી મળી આવેલી લાશના ટુકડાઓના ચકચારી કેસનો ભેદ પૂર્વ કચ્‍છ પોલીસે ઉકેલી નાખ્‍યો છે. પોલીસ તપાસમાં મૃતકની પત્‍ની સાથે છેલ્‍લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ ધરાવતા યુવકે જ પતિને રસ્‍તામાંથી હટાવવા માટે હત્‍યાનું કાવતરું ઘડ્‍યું હોવાનું બહાર આવ્‍યું છે. પોલીસે આરોપી દિનેશ રાયધાણભાઈ ઠાકોર (ઉં.વ. ૩૫, રહે. વરસામેડી, બસ સ્‍ટેશન પાસે)ની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ વરસામેડીની સરદાર આવાસ સોસાયટીમાં રહેતા લખ્‍ખુભાઈ રૂડાભાઈ હુંબલ (ઉં.વ. ૪૩) ગત તા. ૩૧ ઓગસ્‍ટની રાત્રિથી અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા અંજાર પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી. દરમિયાન તા. ૫ સપ્‍ટેમ્‍બરે વરસામેડી ગામના તળાવ કિનારેથી પ્‍લાસ્‍ટિકના બે કોથળામાં પેક કરેલી હાલતમાં લાશના ટુકડા મળી આવતાં ચકચાર મચી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું કે આરોપી દિનેશ ઠાકોરને લખ્‍ખુભાઈની પત્‍ની સાથે છેલ્‍લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ લખ્‍ખુભાઈને થઈ જવાની તથા પોતે મુશ્‍કેલીમાં મુકાઈ જવાની ભીતિથી દિનેશે તેમને હટાવવાનો પ્‍લાન ઘડ્‍યો હતો. આરોપીએ ૩૧ ઓગસ્‍ટની રાત્રે આશરે ૧૧ વાગ્‍યાના અરસામાં કોઈ કામના બહાને લખ્‍ખુભાઈને પોતાના ઘરે બોલાવ્‍યા હતા. વાતચીત દરમિયાન તક મળતાં દિનેશે પાછળથી લોખંડના સળિયાથી લખ્‍ખુભાઈના માથાના ભાગે બે-ત્રણ ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું.

હત્‍યાને અંજામ આપ્‍યા બાદ આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મૃતકનો મોબાઇલ ફોન વરસામેડી હાઈવે સામે આવેલા કાચા રસ્‍તા પર ફેંકી દીધો હતો. ત્‍યારબાદ આખી લાશ એકલા હાથે લઈ જવી મુશ્‍કેલ હોવાથી ઘરમાં રહેલા કરવતના બ્‍લેડના ટુકડાઓની મદદથી લાશના બે ભાગ કર્યા હતા. બંને ભાગોને અલગ-અલગ પ્‍લાસ્‍ટિકના કોથળામાં પેક કરી આરોપીએ વરસામેડી ગામના તળાવમાં ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે.

લાશ મળી આવ્‍યા બાદ પૂર્વ કચ્‍છ એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.પી. ચૌધરી, એલસીબી પીઆઈ જે.એમ. વાળા, અંજાર પીઆઈ એચ.એ. જાડેજા અને પોલીસ ટીમએ વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હ્યુમન ઇન્‍ટેલિજન્‍સ તથા આડા સંબંધોની કડી સાંકળતા પોલીસ આરોપી દિનેશ ઠાકોર સુધી પહોંચી હતી. પોલીસે દિનેશ ઠાકોરની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે હત્‍યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્‍યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (તસ્‍વીરઃ મુકેશ રાજગોર, રાપર)

(10:31 AM IST)