<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ગુરુજીના આશીર્વાદ વિના પાંદડુ હલતું નથી,ગુરુ કૃપા જ સૌથી મોટી શક્‍તિઃ કલ્‍પેશભાઈ મહેતા

અયોધ્‍યાની પવિત્ર ધરા પર શ્રીરામ કથાનો સાતમો દિવસઃ કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાની ગેરહાજરીમાં તેમના ભાઈ કલ્‍પેશભાઈએ કરાવ્‍યું કથા રસપાન : રામનામ એ જીવનની સૌથી મોટી મૂડી છેઃ સંકટના સમયે પણ રામનામ જ કામ આવે છેઃ ગુરુના આશીર્વાદથી જીવન બદલાય, ગ્રંથદાનથી જ્ઞાન વધેઃ મેંદરડા ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસ બાપુ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨: અયોધ્‍યાની પવિત્ર ધરા પરથી શ્રી રામ કથાનુ જુનાગઢ જિલ્‍લાના મેંદરડામા આવેલ ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસ બાપુના સાનિધ્‍યમાં કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસાસને શ્રીરામ કથા નું ભવ્‍ય આયોજન કરાયું છે. જેનો કાલે સાતમો દિવસ હતો.

પ્રભુ શ્રીરામ ભગવાનના આદર્શો, ધર્મ, ત્‍યાગ, પ્રેમ અને કલ્‍યાણનો શાશ્વત સંદેશ સાથે આ કથામાં પ્રભુ શ્રી રામ ભગવાનના જીવન ચરિત્ર, તેમના આદર્શો અને ધર્મના સિદ્ધાંતો વિશે વિસ્‍તારથી કહેવામાં આવે છે.અયોધ્‍યાની ધરા પરથી શ્રી રામકથાનું આયોજન થયું હોવાથી આ શ્રીરામ કથાનું મહત્‍વ ખાસ છે.

પ્રભુ શ્રીરામ ભગવાનની જન્‍મભૂમિ અયોધ્‍યાની પવિત્ર નગરીમાં સુખરામદાસ બાપૂ, ખાખીમઢી મેંદરડા દ્વારા આયોજિત નવ દિવસીય શ્રીરામ કથાનો સાતમો દિવસ ભક્‍તિભાવ અને ધાર્મિક ઉલ્‍લાસ સાથે ઉજવાયો હતો. અયોધ્‍યાની પવિત્ર ધરા પરથી વહેતી આ કથાનું જીવંત પ્રસારણ પણ થઈ રહ્યું છે, જેથી દેશ-વિદેશના લાખો ભક્‍તો ઘરે બેઠા કથાનો લાભ લઈ રહ્યા છે.

કથાના મુખ્‍ય વક્‍તા વિદ્યા-વાચસ્‍પતિ ડો. મહાદેવપ્રસાદ મહેતાને અચાનક દિલ્‍હીના કાર્યક્રમ અંગે જવાનું થતા ગઈકાલે સાતમા દિવસની કથા તેમના નાના ભાઈ અને સુપ્રસિદ્ધ કથાકાર  કલ્‍પેશભાઈ મહેતાએ સંભાળી હતી.

કથાકાર કલ્‍પેશભાઈ મહેતાએ પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવતા કહ્યું કે ગુરુજીના આશીર્વાદ વિના સંસારમાં એક પણ પાંદડું હાલતું નથી. જ્‍યારે જીવનમાં સાચા સંત, સાચા ગુરુ મળી જાય છે ત્‍યારે વ્‍યક્‍તિનું આખું જીવન જ બદલાઈ જાય છે. ગુરુ કૃપા જ સૌથી મોટી શક્‍તિ છે.તેમણે શ્રીરામના આદર્શો, ભરત-લક્ષ્મણના ત્‍યાગ અને હનુમાનજીની ભક્‍તિના પ્રસંગો દ્વારા ભક્‍તોને જીવન જીવવાની કળા શીખવી હતી.

શ્રીરામ કથાના પ્રારંભે કથાના આયોજક મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂજ્‍ય સુખરામદાસ બાપુએ પણ પોતાના આશીર્વાદ આપ્‍યા હતા. તેમણે ભક્‍તોને ચાર મહત્‍વની વાતો સમજાવી હતી. ગ્રંથનું દાન એ સૌથી મોટું દાન છે. ગ્રંથદાનથી માણસનું અજ્ઞાન દૂર થાય છે, બુદ્ધિ તેજ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. જે ઘરમાં ગ્રંથનું પૂજન થાય છે ત્‍યાં સાક્ષાત સરસ્‍વતીનો વાસ હોય છે. જો એકવાર શ્રીરામ ભગવાનનું નામ હૃદયમાં વસી જાય તો જીવનમાં ક્‍યારેય કોઈ વસ્‍તુની ખોટ ન રહે. રામનામ એ જીવનની સૌથી મોટી મૂડી છે. સંકટના સમયે પણ રામનામ જ કામ આવે છે.

પૂ.સુખરામદાસબાપુએ કહ્યું કે,જો આપણે સાચા મનથી, શુદ્ધ ભાવથી કોઈ વસ્‍તુની કલ્‍પના કરીએ તો ઈશ્વર એવા સંજોગો ઊભા કરી આપે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી બધું શક્‍ય બને છે. સૌથી અગત્‍યની વાત કરતા તેમણે કહ્યું કે જીવનમાં ગમે તેટલી સફળતા, પૈસો કે પદ મળે પણ ક્‍યારેય અભિમાન ન કરવું. અભિમાન એ રાવણના પતનનું કારણ બન્‍યું હતું. નમ્રતા જ સાચા માણસની ઓળખ છે. અયોધ્‍યાના પવિત્ર વાતાવરણમાં યોજાતી આ કથામાં ગુજરાત સહિત દેશભરના ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા. સવારથી જ પંડાલ ભક્‍તોથી ભરાઈ ગયો હતો. સૌ કોઈ પ્રભુ શ્રીરામના ગુણગાન અને કથાના ઉપદેશોને હૃદયમાં ઉતારી રહ્યા હતા.

 શ્રી રામકથાનું લાઈવ પ્રસારણ કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાની યુટ્‍યુબ ચેનલ ઉપર થઈ રહયું છે.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

અયોધ્‍યા રામકથામાં સંતના હસ્‍તે સંતનું સન્‍માન

જુનાગઢઃ મેંદરડા ખાખીમઢી રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂ.સુખરામદાસ બાપુ દ્વારા અયોધ્‍યામાં ડો.મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસન અને શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો છે. જેમાં પૂ.મહાદેવ ભારતીબાપુએ ડો.મહાદેવ પ્રસાદ મહેતાનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્‍માન કરેલ અને બાદમાં પૂ.સુખરામદાસ બાપુએ પૂ.મહાદેજભારતીબાપુનું સાલ ઓઢાડી સન્‍માન કરેલ હતું.(અહેવાલઃવિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(12:09 PM IST)