તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
કચ્છના ગાંધીધામમાં નગ્ન હાલતમાં મળેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો: રેપ કરી મર્ડર કરાયાની આશંકા
મચ્છુનગર ફાટક નજીક બાવળની ઝાડીઓમાંથી મળી હતી નગ્ન હાલતમાં લાશ : CCTV અને સ્થળેથી મળેલા ગમછાની કડીથી ૨૩ વર્ષીય શંકાસ્પદ શખ્સ પોલીસ સકંજામાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : કચ્છના ગાંધીધામમાં મચ્છુનગર ફાટક (મીઠીરોહર સીમ) નજીક બાવળની ઝાડીઓમાંથી અજાણી મહિલાની નગ્ન હાલતમાં લાશ મળી આવવાના ચકચારી બનાવનો પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો છે. પોલીસે આ મામલે મૂળ ઓડિશાના ૨૩ વર્ષીય શંકાસ્પદ શખ્સને ટ્રેન મારફતે ઓડિશા ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા મચ્છુનગર રેલવે ફાટક નજીક બાવળની ઝાડીઓમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. મૃતક મહિલાની ઓળખ ઝુલેખા ખાતુન નિસારખાન તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલા નજીકની રૂચિ સોયા કંપનીમાં કામ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે. તે રેલવે ટ્રેક નજીકના નિર્જન રસ્તા ઉપરથી દરરોજની જેમ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલાનો મૃતદેહ નિવસ્ત્ર હાલતમાં મળી આવતાં ઘટનાની ગંભીરતા વધી હતી. મહિલાની સાથે દુષ્કર્મ અથવા દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વચ્ચે પોલીસે તમામ પાસાઓને આવરી લઈને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ તેમજ ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો છે.
ગમછાએ ખોલી તપાસની કડી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ LCB, SOG, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ, ડોગ સ્કવોડ તથા ફોરેન્સિક નિષ્ણાતોની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક ગમછો મળી આવ્યો હતો. પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરતાં ગમછા જેવો જ ગમછો ધારણ કરેલો એક શખ્સ બાવળની ઝાડીઓ તરફ જતો હોવાનું જોવા મળ્યું હતું. આ CCTV ફૂટેજ અને અન્ય પ્રાથમિક પુરાવાઓના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. તપાસની આ કડીના આધારે પોલીસે મૂળ ઓડિશાના ૨૩ વર્ષીય શખ્સને શંકાના આધારે ઝડપી લીધો હતો. તે રેલવે સ્ટેશન તરફ જઈ ટ્રેન મારફતે ઓડિશા નાસી જવાની ફિરાકમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.
ગમછાથી ગળેટૂંપો આપ્યાની પ્રાથમિક આશંકા
પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે મહિલાનું ગમછા વડે ગળેટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જોકે, મહિલાના મોતનું ચોક્કસ કારણ અને તેની સાથે દુષ્કર્મ થયું હતું કે કેમ તે અંગે અંતિમ તારણ પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. આ મામલે મૃતક મહિલાના પુત્રની ફરિયાદના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
