News of Wednesday, 9th September 2026
કચ્છના છેવાડાના ગામડાંની મહિલાઓ બનશે આત્મનિર્ભર: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ-સહાય જૂથોમાં જોડાવા તંત્રનું ખાસ આહ્વાન
બહેનોને મળશે મફત વ્યવસાયિક તાલીમ, સરળ બેંક ધિરાણ અને માર્કેટિંગ પ્લેટફોર્મ: ગ્રામીણ મહિલાઓને સ્વાવલંબી બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિશેષ ઝુંબેશ

ભુજ, તા.૦૯: કચ્છ જિલ્લાના સરહદી અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આર્થિક તેમજ સામાજિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' (NRLM) અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા કચ્છની ગ્રામીણ બહેનોને સ્વ-સહાય જૂથો (Self-Help Groups) માં જોડાઈને સ્વમાનભેર રોજીરોટી મેળવવા માટે ભાવભર્યું આહ્વાન કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ સંગઠિત થતી મહિલાઓને તેમની પસંદગી અને રુચિ મુજબ વિવિધ વ્યવસાયિક કૌશલ્ય વર્ધન તાલીમ પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, પોતાનો ગૃહઉદ્યોગ કે વ્યવસાય શરૂ કરવા માટે બેંક ધિરાણ મારફતે સરળ નાણાકીય સહાય, ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ (મેળા અને બજારો) તેમજ ઉદ્યોગ સાહસિકતા નોંધણી સહિતની તમામ માળખાકીય સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ મદદથી ગ્રામીણ મહિલાઓ પોતાના પરિવારની આવકમાં વધારો કરીને આત્મનિર્ભર બની રહી છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ જણાવ્યું છે કે, સ્વ-સહાય જૂથમાં જોડાઈને પોતાની આજીવિકા શરૂ કરવા ઈચ્છુક ગ્રામીણ મહિલાઓએ પોતાની ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અથવા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) કે તાલુકા લાઈવલીહૂડ મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. કચ્છ જિલ્લાની વધુને વધુ મહિલાઓ આ કલ્યાણકારી મિશનનો લાભ લઈ આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધે તેવો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
