News of Saturday, 18th April 2026
૧૨ દિવસથી પાણી ન આવતા મહિલાઓ ત્રાહિમામ પોંકારી
ભાયાવદરમાં પાણીની સમસ્યાઃભાયાવદર નગરપાલિકામાં મહિલાઓએ 'પાણી આપો'ના સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો

રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં ઉનાળાની શરૃઆતે જ જળ સંકટ ઘેરું બન્યું છે. ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં છેલ્લા ૧૨ દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી. કાળઝાળ ગરમીમાં પાણી વગર વલખા મારતા લોકોમાં તંત્ર વિરૃદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાણીની સમસ્યાથી કંટાળીને આજે ૧૦૦થી વધુ મહિલાઓનું ટોળું ભાયાવદર નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો સામે હલ્લાબોલ કર્યો હતો અને કચેરીમાં જ 'પાણી આપો, પાણી આપો'ના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓનો આક્ષેપ છે કે, અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા સુધારવામાં આવતી નથી.
એક તરફ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઘરેલુ વપરાશ અને પીવા માટે પણ પાણી ન મળતા ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓએ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
