<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ભુજ-માંડવી રોડ પર માર્ગ સલામતી વધારવા રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી પ્રગતિમાં

કલેક્ટર અનિલ રાણાવસિયાએ ઉચ્ચ ગુણવત્તા સાથે કામ પૂર્ણ કરવા અને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને આપી સૂચના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા. 23 : કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ભુજ-માંડવી હાઇવે પર અકસ્માત નિવારવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલા નવા રોલર ક્રેશ બેરિયરની કામગીરીની સમીક્ષા કરી હતી. માર્ગ સલામતીને પ્રાથમિકતા આપીને કામગીરી કરવા તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું.

 

માંડવી તાલુકાને કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સાથે જોડતો ભુજ-માંડવી રોડ મહત્વપૂર્ણ રાજ્ય ધોરીમાર્ગ છે. આ રસ્તો ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી તેમાં હોરીઝોન્ટલ અને વર્ટીકલ વળાંકો આવેલા છે. આ કારણે કિમી 5/400 થી 26/00 ના વિસ્તારમાં ભૂતકાળમાં અવારનવાર અકસ્માતો થયા છે.

 

આ સમસ્યાને હલ કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કચ્છ વહીવટીતંત્ર દ્વારા નવીન ટેક્નોલોજી સાથેના રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સલામતી પહેલ ગુજરાતમાં અંબાજી રોડ અને સાપુતારા રોડ પર થયેલા પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી પ્રેરિત છે. રોલર ક્રેશ બેરિયર લગાવ્યા બાદ અકસ્માતો નિવારવામાં અને જીવ બચાવવામાં મોટો ફાયદો જોવા મળ્યો છે.

 

આ હકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને ભુજ-માંડવી રૂટ પર સામાન્ય ક્રેશ બેરિયરની જગ્યાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ હાલમાં આ રસ્તા પર કિમી ચેઇનેજ 8/200, 9/200, 10/100 અને 11/000 પર નવા રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી પ્રગતિમાં છે.

 

કલેક્ટરશ્રી રાણાવસિયાએ કામગીરી ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીને મુસાફરોની સેફ્ટીને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને આ મહત્વપૂર્ણ માર્ગ પર અકસ્માતો નિવારી શકાય તે દિશામાં તમામ આવશ્યક પગલાં લેવા તેમણે સૂચનાઓ આપી હતી.

 

આ રોલર ક્રેશ બેરિયર ટક્કરની અસર શોષી લે છે અને વાહનને રસ્તા પર જાળવી રાખે છે, જેનાથી જાનહાનિ ઘટાડવામાં મદ મળશે.

(4:47 PM IST)