News of Monday, 4th May 2026
ગોંડલમાં કરંટ લાગતા શ્રમીકનું મોત
ભુવનેશ્વરી ગૌશાળામાં સફાઇવેળાએ શોક લાગ્યોઃ ૧પ વર્ષથી સેવા આપતા શ્રમીકના નિધનથી પરિવારમાં શોક

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૪: ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામ પાસે આવેલ શ્રી ભુવનેશ્વરી મંદિર સંચાલિત ભુવનેશ્વરી ગૌશાળામાં બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ગૌશાળામાં સાફ-સફાઈની કામગીરી કરી રહેલા ૩૭ વર્ષીય શ્રમિક ટીનાજી પંચાસરાનું ઈલેક્ટ્રિક મોટરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પંચાસરા ગામના વતની અને છેલ્લા ૧૫ વર્ષથી ગોંડલના ભોજપરા ગામે રહીને ભુવનેશ્વરી ગૌશાળામાં ફરજ બજાવતા ટીનાજી બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગૌશાળામાં સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન પાણીની મોટરનો કરંટ લાગ્યો હતો અચાનક શોર્ટ સર્કિટ થયું હતું અને ટીનાજી જોરદાર કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના સમયે ભુવનેશ્વરી મંદિરના ડો. રવિદર્શનજી વ્યાસ સ્થળ પર હાજર હતા. તેમણે બનાવ બનતાની સાથે જ ગંભીર હાલતમાં ટીનાજીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડયાં હતા. હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો. ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કરી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.
મળતક ટીનાજી પરણિત હતા અને તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. ઘરના મોભીની અણધારી વિદાયથી પરિવાર પર આભ તૂટી પડયું છે. છેલ્લા દોઢ દાયકાથી ગૌશાળા સાથે જોડાયેલા અને પ્રામાણિકતાથી સેવા આપતા શ્રમિકના મોતથી ગૌશાળા પરિવારમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
