તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
જે કચેરીમાં અધિકારી તરીકે નોકરીની શરૂઆત કરી એ જ કચેરીમાં વર્ષો બાદ ઉચ્ચ અધિકારી તરીકે ફરી મુલાકાત: ગ્રામવિકાસ એજન્સીના સયુંક્ત નિયામક રાજશ્રીબેન કુશવાહની યાદગાર મુલાકાત
૧૫ વર્ષ પહેલાં રાપર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે બજાવેલી ફરજની સ્મૃતિઓ તાજી કરી, કર્મચારીઓ સાથે આત્મીય મુલાકાત કરી ખબરઅંતર પૂછ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : વર્ષો પહેલાં જ્યાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી, એ જ રાપર નગરપાલિકા કચેરીમાં ફરી ગ્રામ વિકાસ એજન્સીના સયુંક્ત નિયામક શ્રીમતી રાજશ્રીબેન કુશવાહએ મુલાકાત લઈ પોતાની જૂની યાદો તાજી કરી હતી.
રાજશ્રીબેન કુશવાહે વર્ષ ૨૦૧૦/૧૧ દરમિયાન રાપર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે સીધી ભરતીથી ફરજ બજાવી હતી. રાપરમાં ફરજ દરમિયાન મેળવેલા અનુભવ અને લોકો સાથેના સંસ્મરણોને વાગોળ્યા બાદ તેમણે જીપીએસસીની પરીક્ષા આપી મામલતદાર તરીકે વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી તરીકે બઢતી મેળવી હાલ અધિક કલેક્ટર કક્ષાના અધિકારી તરીકે ગાંધીનગર ગ્રામ વિકાસ એજન્સીમાં સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન તેઓ રાપર નગરપાલિકા કચેરી ખાતે પણ પહોંચ્યા હતા. અહીં તેમણે નગરપાલિકાના તમામ કર્મચારીઓ સાથે આત્મીય મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. વર્ષો બાદ પોતાની જૂની કર્મભૂમિ પર પહોંચતાં તેમણે તે સમયની ફરજ દરમિયાનની વિવિધ યાદોને પણ વાગોળી હતી.
આ પ્રસંગે રાપર નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, એકાઉન્ટ વિભાગના મહેશ સુથાર, નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા સહિતના કર્મચારીઓ દ્વારા રાજશ્રીબેન કુશવાહનું આત્મીય સન્માન કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન રાજશ્રીબેને
પાલિકાના કર્મચારીઓને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યા હોય તો નિઃસંકોચ જણાવવા અનુરોધ કર્યો હતો. વર્ષો પહેલાં જે કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવી હતી ત્યાં આજે ઉચ્ચ વહીવટી જવાબદારી સાથે મુલાકાતે આવેલા રાજશ્રીબેનને મળીને કર્મચારીઓમાં પણ આત્મીયતા અને આનંદની લાગણી જોવા મળી હતી.
ફરજની શરૂઆતની ભૂમિ પર વર્ષો બાદ પરત ફરી જૂની યાદોને વાગોળતી આ મુલાકાત માત્ર એક અધિકારીની મુલાકાત નહીં, પરંતુ કર્મભૂમિ અને સહકર્મચારીઓ સાથેના આત્મીય સંબંધોની સુંદર ઝલક બની રહી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
