તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
આપ ના સુપડા સાફ જણાઈ રહ્યા હતા ત્યાં જ અપવાદરૂપ એક બેઠક માટે નસીબ ચમકી ગયું: મોટી ધંસારી બેઠકની રસપ્રદ ઘટના
‘અહીં તો ડુબતા ને તરણું મળી જાય છે અને કાંઠે આવેલો ડૂબી જાય છે !': આને કહેવાય ‘‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ !''

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૩૦: એક જાણીતા કવિની પંક્તિ યાદ આવે છે કે, ‘‘અહીં તો ડૂબતાને તરણું મળી જાય છે અને કાંઠે આવેલો ડૂબી જાય છે!''
કહેવાય છે કે, ચૂંટણીમાં મહેનત તથાલોક સમર્થન ની સાથે જો તમારું નસીબ કામ કરતું હોય તો જ સફળતા મળે, જો નસીબ સાથ ન આપે તો મધદરિયે થી સુરક્ષિત પહોંચેલ માણસ કાંઠે આવીને ડૂબી જાય !
તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી જંગ ના દરિયા માં તરીને કાંઠે પહોંચેલા તાલુકા પંચાયતની મોટી ધંસારી બેઠકના બે હરિફ ઉમેદવારોની . તાલુકા પંચાયતની મોટી ધંસારી ની બેઠક પર ભાજપ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રતિસ્પર્ધીઓ હતા . ત્રિપંખીયા જંગ વચ્ચે ત્રણેય વચ્ચે છેલ્લા પચીસેક દિવસથી ‘‘કાંટો'' કી ટક્કર જેવો માહોલ ઊભો થયેલ હતો.
ચૂંટણી પ્રચાર, લોક સંપર્ક સહિતની જરૂરી પ્રક્રિયાઓ દરમિયાન બંને મુખ્ય હરીફ ની પેરેલલે આમ આદમી પાર્ટી ચાલી રહ્યું હતું. જે સ્થિતિ જોઈ લોકો નક્કી નહોતા કરી શકતા કે કોણ બાજી મારી જશે. કેશોદ નગરપાલિકા, કેશોદ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ના આમ આદમી પાર્ટી ના ઉમેદવારોની ભૂમિકા ની સરખામણીમાં મોટી ધંસારી ની બેઠક પર આપ ના ઉમેદવાર નું પર્ફોમન્સ કંઈક અલગ જ અર્થાત મુખ્ય હરીફ ઉમેદવાર ની લાગોલગ જણાતું હતું.
ભાજપની લહેર વચ્ચે સ્થાનિક સ્વરાજ્ય ની ત્રણેય સંસ્થા પૈકી ની એક પણ બેઠક પર થી વિજેતા તરીકે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર નું નામ નહિ ખુલતા લોકો માની રહ્યા હતા કે, કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં નવોદિત એવી આમ આદમી પાર્ટી પોતાનું ‘‘ખાતું'' પણ ખોલાવી શકશે નહીં , આપ માટે આ વિસ્તારમાં અસ્તિત્વનો સવાલ હતો. આશાનું કોઈ કિરણ ન જણા હતા આપના કાર્યકરો પણ ચિંતિત જણાઈ રહ્યા હતા.
આપ માટે ‘‘પ્રથમ ગ્રાસે મક્ષિકા'' જેવી સ્થિતિ જણાઈ રહી હતી એવા સંજોગોમાં કેશોદ તાલુકા પંચાયતની મોટી ધંસારી બેઠકની મત ગણતરી શરૂ કરાતા અને આ દરમિયાન મત ગણતરીના અંતે પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના ઉમેદવાર રમેશભાઈ ગરેજા તથા આપ ના ઉમેદવાર યશવંતસિંહ રાઈ જાયજાદા ને સમાન સંખ્યામાં મત જણાતા એક તબક્કે કટોકટી (ટાઈ) સર્જાવા પામેલ હતી . અત્યાર સુધી એક પણ બેઠક પર ‘‘ખાતુ'' નહીં ખોલાવી શકનાર આપ માટે તો સ્થિતિ કાંઠે પહોંચી ને અટકી જવા જેવી હતી. સ્થિતિ જોઈ સહુ સ્તબધ બની ગયા
બંને ઉમેદવારને એક સરખી સંખ્યા મા મતો મળતા સર્જાયેલ કટોકટી ની સમસ્યાનો ઉકેલ લાવવો કેમ ? ! બેઠક એક અને દાવેદાર બે, વિજેતા જાહેર કયા ઉમેદવારને કરવા? સહિતની જરૂરી ચર્ચાઓના અંતે ચૂંટણી દરમિયાન અન્ય અપવાદ રૂપ કિસ્સામાં બને છે તે રીતે સમસ્યાના વહેવારું ઉકેલના ભાગ રૂપે બંનેના નામ વાળી ચિઠ્ઠી નાખી ખેલદિલી પૂર્વક નસીબ અજમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ચૂંટણી અધિકારી સહિત ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનો વચ્ચે ચિઠ્ઠી ખેંચવામાં આવી... અને આદમી પાર્ટી માટે કલ્પના બહારનું દ્રશ્ય ખડું થયું. ખેંચવામાં આવેલ ચીઠ્ઠીમાં આપ ના ઉમેદવાર યશવંતસિંહ રહી જાદા નું નામ હોવાનું જાહેર કરવામાં આવ્યું. આ સાથેભાજપના ઉમેદવારે કિસ્મતે કરેલ ફેંસલા ને શિરોમાન્ય ગણ્યો. આમ ગુંચવાયેલ કોકડું ઉકેલાઈ ગયું, આપ ની ખુશીનો પાર ન રહ્યો!
કિસ્મતના ફેંસલા થી કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં સૌપ્રથમ વખત, એક માત્ર તાલુકા પંચાયતમાં થયેલ એન્ટ્રી આમ આદમી પાર્ટી માટે સૂકા રણમાં મીઠી વિરડી સમાન સાબિત થયેલ છે ! મોટી ધંસારી ની બેઠક પર નસીબે જીત અપાવી દેતા ‘‘ખાતુ'' પણ ખોલી નથી શકયા તેવા ‘‘મેણા'' હવે આપ એ સાંભળવા નહીં પડે!
‘‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ !'' તે કહેવત આ ઉદાહરણ ઉપરથી સાચી જણાઈ રહેલ છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
