<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ધ્રોલ-ખારવા માર્ગ પર બાઇકચાલક યુવક પર જીવલેણ પથ્‍થરમારો

ગેરેજ સંચાલકની આંગળીમાં ફ્રેક્‍ચર, બે અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો દાખલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૭: ધ્રોલથી ખારવા જતા રસ્‍તા પરથી મોટરસાયકલ લઈને પોતાના ઘરે પરત ફરી રહેલા ગેરેજ સંચાલક યુવાન પર સામેથી ધસી આવેલા બે અજાણ્‍યા બાઇકસવારોએ અચાનક છૂટો પથ્‍થર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

મૂળ મોરાર સાહેબના ખંભાડીયા ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ખારવા ગામ સ્‍થિત નાગબાઇ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ ગીરધરભાઇ ગડારા (ઉં.વ. ૩૦) ધ્રોલ ખાતે ગેરેજ ચલાવે છે. ગત તા. ૩ ઓક્‍ટોબરના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્‍યાના અરસામાં ભાવેશભાઇ પોતાનું મોટરસાયકલ લઈને ધ્રોલથી ખારવા પોતાના ઘરે જવા નીકળ્‍યા હતા, તે દરમિયાન ધ્રોલ પોલીસ મથકથી આશરે બે કિલોમીટર દૂર, આઇ.ટી. આઇ.થી આગળ ખારવા તરફ આવતા નાથીયા હોકરાના ચડતા ઢાળ પાસે પહોંચતાં સામેથી એક બાઇક પર બે અજાણ્‍યા શખ્‍સો ધસી આવ્‍યા હતા અને પાછળ બેઠેલા શખ્‍સે કોઈ પણ કારણ વગર અચાનક ભાવેશભાઇ તરફ મોટો છૂટો પથ્‍થર ફેંક્‍યો હતો.

અંધારામાં અચાનક થયેલા આ હુમલામાં પથ્‍થર વાગતાં ભાવેશભાઇને જમણા હાથની પહેલી આંગળીમાં ગંભીર ફ્રેક્‍ચર થઈ ગયું હતું તેમજ હાથના અંગૂઠા પર પણ ગંભીર ઇજા પહોંચી હતી, જ્‍યારે હુમલો કર્યા બાદ બંને અજાણ્‍યા શખ્‍સો બાઇક હંકારી અંધારામાં ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્‍ત ભાવેશભાઇની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસ મથકના એ.એસ.આઇ. ડી.જે. ગાગીયાએ બંને અજાણ્‍યા બાઇકસવારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ટાઉન 'બી' બીટ વિસ્‍તારમાં બનેલી આ ઘટનાની આગળની વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ સી.જે. જાડેજા ચલાવી રહ્યા છે.

(10:52 AM IST)