<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ખંભાળિયાના ભાડથરમા જમીનની માથાકૂટમાં યુવાનની હત્યા : પિતરાઈ ભાઈની અટકાયત

વાડી વિસ્તારમાં ધારીયાના ઘા ઝીંકી દીધા :-હોસ્પિટલે લઈ જતા પહેલા જ મોત : મૃતક યુવકના માતાની ફરિયાદ બાદ એસપીના માર્ગદર્શનમાં PI રાણા અને LCBની સંયુક્ત તપાસ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. 24 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે વાડી વિસ્તારમાં જમીન બાબતે થયેલી માથાકૂટમાં 40 વર્ષીય ગઢવી યુવાનની હત્યા થવાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મૃતકની ઓળખ ભોલા કારા અવસુરા (ઉં.વ. 40) તરીકે થઈ છે. તે ભાડથર ગામના વાડી વિસ્તારમાં તેની માતા સાથે રહેતો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક ભોલા અને તેના કાકાના દીકરા નાથા લખમણ અવસુરા વચ્ચે જમીન બાબતે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. આજે પણ તે બાબતે બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી.

આ દરમિયાન આરોપી નાથાએ ઉશ્કેરાઈને ગારીયા વડે ભોલા પર હુમલો કરી દીધો હતો. ગારીયાનો ઘા વાગતા ભોલાને ગંભીર ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો

ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભોલાને તાત્કાલિક ખંભાળિયા સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવ અંગે મૃતકની માતા લખીબેન કારાભાઈ અવસુરાએ ખંભાળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે આરોપી નાથાભાઈ લખમણ અવસુરા સામે જમીનની માથાકૂટમાં ગારીયા વડે હુમલો કરી પુત્રની હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી નાથા લખમણ અવસુરાની અટકાયત કરી લીધી છે. તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મૃતક ભોલા તેની માતા સાથે વાડી વિસ્તારમાં રહેતો હતો. તેની પત્ની જે ભટ ગામની વતની છે, તે છેલ્લા 17 વર્ષથી રિસામણે છે. સંતાનમાં તેને એક પુત્ર છે. પુત્રના મોતથી માતા લખીબેન પર આભ તૂટી પડ્યું છે. ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ બનાવ અંગે ASP પ્રખર કુમાર તથા SP જયરાજસિંહ વાળા*ના માર્ગદર્શન હેઠળ PI સી.આર. રાણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં *LCB PI જોશી* પણ જોડાયા હતા.

પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હત્યામાં વપરાયેલ ગારીયું કબ્જે કરવા અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે, આરોપીની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.*

(11:25 AM IST)