News of Thursday, 26th November 2026
હળવદના જેતપર પાસે બાઇક નાલામાં ખાબકતાં યુવાનનું મોત
મુળ છોટાઉદેપુરનો ૩૫ વર્ષિય સરતાન રાઠવા વાડીએથી હટાણુ કરવા જતો હતોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડયોઃ મજૂર પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: હળવદ નજીક જેતપર રોડ પર સાંજે આઠેક વાગ્યે જેતપર રહેતો યુવાન બાઇક સહિત નાલામાં પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત થયું છે. મુળ છોટાઉદેપુરનો યુવાન હટાણુ કરવા નીકળ્યો ત્યારે અકસ્માત નડયો હતો.
જાણવા મળ્યા મુજબ જેતપર ગામે ટીનાભાઇની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો સરતાનભાઇ જગેલાભાઇ રાઠવા (ઉ.વ.૩૫) નામનો યુવાન સાંજે આઠેક વાગ્યે જેતપરથી નજીકના ગામે હટાણુ કરવા જવા બાઇક લઇને નીકળ્યો હતો. આ દરમિયાન દેવળીયાથી આગળ જેતપર રોડ પાસે પહોંચ્યો ત્યારે કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં બાઇક સહિત નાલામાં પડી જતાં ગંભીર ઇજા થઇ હતી.
સરતાનભાઇને મોરબી સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સવારે મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને મુળ છોટાઉદેપુરનો વતની હતો. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં હળવદ પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
