તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ભુજની પાયરકા સીમમાં ફાયરિંગ થવાથી યુવકનું મોત : અકસ્માતમાં ખપાવવા પ્રયાસ મૃતકના પરિવારજનો સહિત ૪ આરોપીની ધરપકડ
હથિયાર જપ્ત થવાના અને લાયસન્સ રદ થવાના ડરથી લાયસન્સવાળી બંદૂક છુપાવીને દેશી બંદૂક મૂકી દેવાઈ હતી: ગુનામાં વપરાયેલ હથિયાર, ૧૭ જીવતા કારતૂસ અને ૬ મોબાઈલ ફોન કબજે

ભુજની પાયરકા સીમમાં શિકાર કરવા દરમિયાન ફાયરિંગ થવાથી એક યુવકનું કરપીણ મોત નીપજ્યું હતું, જેને અકસ્માતમાં ખપાવીને પુરાવા સાથે ચેડાં કરવાનું ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. હથિયાર જપ્ત થવાના અને લાયસન્સ રદ થવાના ડરથી લાયસન્સવાળી બંદૂક છુપાવીને ઘટનાસ્થળે દેશી બંદૂક મૂકી દેવાઈ હતી અને પોલીસને ગેરમાર્ગે દોરવાનું મોટું ષડયંત્ર રચાયું હતું. સરહદી રેન્જ આઈજી અને પશ્ચિમ કચ્છ એસપીના માર્ગદર્શન હેઠળ એસઓજી (SOG) અને એલસીબી (LCB) ની સંયુક્ત ટીમે કડક કાર્યવાહી કરીને મૃતકના પરિવારજનો સહિત ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમજ ગુનામાં વપરાયેલ હથિયાર, ૧૭ જીવતા કારતૂસ અને ૬ મોબાઈલ ફોન કબજે કર્યા છે, જ્યારે આ કાવતરામાં સામેલ અન્ય ૬ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગત ત્રીજી નવેમ્બરની રાત્રે મરણ જનાર કાદર હાસમ જતનો પાયરકાની વાડીમાંથી એકતરફથી માથું ફાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાદર ભુજની ભાગોળે આવેલા કોડકી ગામે રહેતો હતો અને પાયરકાની વાડીની ચોકીદારી કરતો હતો. પિતરાઈ ભાઈ ઈમરાન જતે મોડી રાતે જી.કે. જનરલ હોસ્પિટલે હાસમને ખસેડ્યો હતો, તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ મધરાતે સાડા બારથી એકના અરસામાં બન્યો હોવાનું લખાવાયું છે. માનકૂવા પોલીસે ઘટના અંગે આકસ્મિક મોતની નોંધ પાડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં પશ્ચિમ કચ્છ પોલીસ દળની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગૃપ જોડાયાં હતા.
પ્રાથમિક તપાસમાં કાદર જત પાસે રહેલી બંદૂક ગેરકાયદેસરની હોવાનું સ્પષ્ટ થયેલું. દરમિયાન, કાદરનું મૃત્યુ અકસ્માતે થયું ના હોવાની પોલીસને નામજોગ બાતમી મળેલી.
પોલીસે આ શખ્સોને ઉઠાવી પૂછતાછ કરતાં વારાફરતી દસ જણની સંડોવણી બહાર આવી છે. મરણ જનાર કાદર જત બનાવની રાત્રે પાયરકાની સીમમાં ઈશા હુસેન જત (રહે. પીરવાડી, ભુજ), અલ્તાફ રમજુ જત અને રશીદ ઉમર જત (બંને રહે. સુમરાસર જત) સાથે બંદૂકથી શિકાર કરવા ગયેલો. બંદૂક અને કારતૂસ ઈશા હુસેન જત લઈ આવેલો.
ચારે જણ રાતના અંધારામાં સીમાડે શિકારની તાકમાં ઊભાં હતા ત્યાં અચાનક અકસ્માતે ઈશાના હાથમાં રહેલી બંદૂકનું ટ્રિગર દબાઈ જતાં ગોળી વછૂટીને સામે ઊભેલાં કાદરના માથામાં ઘૂસી ગઈ હતી.
ઈશા હુસેન જત પાસે રહેલી બંદૂક જુમા મુસા જત (રહે. પીરવાડી, હાલ રહે. કોડકી)ની કાયદેસર પરવાનાવાળી બંદૂક હતી.
ઈશાએ પોતાની ફોઈના દીકરા આદમ ઈભલા જત (રહે. કોડકી) મારફતે શિકારના હેતુથી જુમાની બંદૂક મગાવી-મેળવી હતી. કાદર જતના મૃત્યુ બાદ પોતાના પર કેસ થવાના ડરથી ઈશા જત ફફડી ગયો હતો.
સૌપ્રથમ ત્રણે જણ ઈજાગ્રસ્ત કાદરને તે જે વાડીનું રખોપું કરતો હતો તે વાડીમાં લઈ આવેલાં. ઈશાએ બનાવ અંગે ફોઈના દીકરા આદમ જતને જાણ કરેલી. આદમે વાડીએ આવીને ચેક કરતાં કાદર જત મૃત્યુ પામ્યો હોવાનું સ્પષ્ટ થયેલું. જેથી ડરના માર્યાં અલ્તાફ અને રશીદ જત ત્યાંથી ભાગી ગયેલાં.
કાદરના મૃત્યુ બાદ કાયદેસર પરવાનાવાળી બંદૂક જપ્ત થવાની અને બધી પોલ ખૂલવાની સૌને ચિંતા પેઠેલી.
ઈશા અને આદમે વાડીએ જુમા મુસા જત, ઉમર જાકબ જત, હાજી સિધિક મામદ જત, જુમા કાસમ જત, સિધિક દાઉદ જત, ઈબ્રાહિમ હાજી સિધિક જત અને ઈમરાન દાઉદ જતને ફોન કરી વાડીએ બોલાવ્યાં હતા.
મરણ જનાર પરિવારનો જ સભ્ય હોઈ અને મામલો ત્યાં જ દબાઈ જાય તે હેતુથી સૌએ કાવતરું ઘડીને જે બંદૂકથી ગોળી છૂટેલી તે બંદૂક ત્યાંથી સગેવગે કરીને બીજી ગેરકાયદે દેશી બંદૂક ત્યાં મૂકી દીધી હતી.
હથિયારના પરવાનેદાર જુમા જતે ભુજના ટાંકણાસર ગામે રહેતા મિત્ર જાકબ દાઉદ જત પાસેથી આ ગેરકાયદે બંદૂક મેળવી લાશ પાસે રાખી હતી. ૯ દિવસની સઘન તપાસના અંતે દસે જણના આ કાવતરાંનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
પોલીસે ગુનામાં વપરાયેલી પરવાનાવાળી અસલી બંદૂક, ૧૭ કારતૂસ, ૬ મોબાઈલ ફોન જપ્ત કર્યાં છે. દસ આરોપી પૈકી ઈશા હુસેન જત, આદમ ઈભલા જત, જુમા મુસા જત અને જાકબ દાઉદ જતની ધરપકડ કરી છે.
અન્ય છ આરોપી ઉમર જત, હાજી સિધિક જત, જુમા કાસમ જત, સિધિક દાઉદ જત, ઈબ્રાહિમ જત અને ઈમરાન જત હાથમાં લાગ્યાં નથી. પોતાની પાસે રહેલી ગેરકાયદે દેશી બંદૂક આપનારો જકબ દાઉદ જત અગાઉ પણ દેશી બંદૂક સહિતના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
