તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ક્રિકેટના મેદાનમાં ૧૫ વર્ષીય વિસ્ફોટક બેટરનો કહેર: આઈપીએલ ૨૦૨૬માં વૈભવ સૂર્યવંશીએ માત્ર ૩૬ બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચી દીધો
સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોને રીતસરના ધ્રુજાવતા રાજસ્થાન રોયલ્સના આ યુવા સિતારાએ જયપુરના સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાની હેલી સર્જી અને જીવનની સૌથી ભાવુક ક્ષણની ઉજવણી આંસુઓ સાથે કરતા આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું

જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૬માં આજે ક્રિકેટ પ્રેમીઓને એક અવિશ્વસનીય અને રુંવાડા ઉભા કરી દે તેવી બેટિંગ જોવા મળી હતી. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં રાજસ્થાન રોયલ્સના માત્ર ૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તોફાની બેટિંગ કરતા માત્ર ૩૬ બોલમાં સદી ફટકારી દીધી હતી. આ કરિશ્માઈ ઇનિંગ દરમિયાન વૈભવે હૈદરાબાદના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી અને માત્ર ૧૫ બોલમાં અડધી સદી પૂરી કરી લીધી હતી. જેવી તેની સદી પૂરી થઈ કે તરત જ આ યુવા ખેલાડી મેદાન પર જ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા, જે દ્રશ્ય જોઈને ક્રિકેટ જગત દંગ રહી ગયું છે.
વૈભવની આ ઇનિંગ માત્ર રમત નહોતી પરંતુ આક્રમકતાનું અદભૂત પ્રદર્શન હતું, જેમાં તેણે ૧૨ આકાશચુંબી છગ્ગા અને ૫ ચોગ્ગાની મદદથી ૧૦૩ રન ઝૂડી કાઢ્યા હતા. સદીના આંકડા સુધી પહોંચતા જ તેણે પોતાના ખાસ અંદાજમાં 'હાર્ટ સાઈન' બનાવીને અને સલામ કરીને ઉજવણી કરી હતી, જોકે સદી બાદ તરત જ તે સાકિબ હુસૈનનો શિકાર બન્યો હતો. આ સિદ્ધિ સાથે વૈભવે આઈપીએલ ઈતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી પોતાના નામે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યાદીમાં ક્રિસ ગેલ ૩૦ બોલ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે વૈભવ પોતે ગયા વર્ષે ૩૫ બોલમાં સદી ફટકારી ચૂક્યો છે. આ સતત બીજી સીઝનમાં તેની શાનદાર રમત તેની પ્રતિભાની સાબિતી આપી રહી છે.
મેદાન પર વૈભવના આ દેખાવ બાદ હવે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં તેના ડેબ્યૂ માટેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રમત પ્રેમીઓ અને ક્રિકેટ વિશ્લેષકો માની રહ્યા છે કે આટલી નાની ઉંમરે આટલો આત્મવિશ્વાસ અને પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતો ખેલાડી ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ ઊભા થઈને આ યુવા ખેલાડીને અભિવાદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ તેનો ભાવુક વિડિયો વાયરલ થયો છે, જેમાં તેની રમત પ્રત્યેની નિષ્ઠા અને સંઘર્ષ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. રાજસ્થાન રોયલ્સ માટે આ જીત જેટલી મહત્વની છે, તેનાથી વધુ મહત્વનું ભારતને મળેલું આ નવું રત્ન સાબિત થઈ રહ્યું છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
