<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી રચશે નવો ઇતિહાસ! ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજો T20 જંગ: પ્લેઇંગ 11 માં મળશે મોકો?

અરુણ જેટલી સ્ટેડિયમમાં ક્લીન સ્વીપ કરવાના ઇરાદા સાથે ઊતરશે શ્રેયસ અય્યરની બ્રિગેડ; ભારતીય ભૂમિ પર ડેબ્યૂ કરનાર સૌથી યુવા ક્રિકેટર બનશે સૂર્યવંશી

નવી દિલ્હી, તા.૧૭: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે સાંજે ૭:૩૦ વાગ્યે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની પ્રથમ બંને મેચો ૭-૭ વિકેટે જીતીને શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ૨-૦ ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આજે રમાનારી આ આખરી મેચમાં અફઘાનિસ્તાનનો સંપૂર્ણ સૂરડો વાળવાના (ક્લીન સ્વીપ) મનોરથ સાથે ભારત મેદાનમાં ઊતરશે. આ મેચની સૌથી ખાસ વાત એ છે કે માત્ર ૧૫ વર્ષનો યુવા વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશી આજે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવીને નવો ઇતિહાસ રચવા માટે પૂરી રીતે તૈયાર છે.

જુલાઈ ૨૦૨૬ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર વૈભવ સૂર્યવંશી જો આજે મેદાનમાં ઊતરશે તો તે ભારતીય ધરતી પર આંતરરાષ્ટ્રીય મેચ રમવા વાળો કોઈપણ ફુલ મેમ્બર દેશનો સૌથી નાની વયનો ક્રિકેટર બની જશે. કેપ્ટન શ્રેયસ અય્યરે અગાઉ જ સંકેત આપ્યા હતા કે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ પહેલાં તમામ ખેલાડીઓને મેચ પ્રેક્ટિસ મળી રહે તે માટે ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

અભિષેક શર્મા અને સંજુ સેમસન શાનદાર ફોર્મમાં હોવાથી તેમને આરામ આપવાની શક્યતા ઓછી છે, પરંતુ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનના સ્થાને વૈભવ સૂર્યવંશીનો પ્લેઇંગ 11 માં સમાવેશ કરાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. પ્રાથમિક બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે નીતિશ કુમાર રેડ્ડી અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરોને હજુ સુધી બેટિંગની પૂરતી તક મળી નથી. એવામાં આજની મેચમાં ભારતીય બેન્ચ સ્ટ્રેન્થને અજમાવવામાં આવી શકે છે.

(4:52 PM IST)