<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

અમેરિકામાં ક્રિકેટ ફીવર :પ્રથમ વખત USA ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન : લોકોમાં ભારે ઉસ્તાહ છવાયો

ટેક્સાસ, ન્યૂયોર્ક અને ફ્લોરિડામાં લોકોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો :ટાઈમ્સ સ્ક્વેર પર એક વીડિયો બતાવાયો : કોહલી, જોસ બટલર, શાહીન શાહ આફ્રિદી સહિત ઘણા ક્રિકેટરો જોવાયા

ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે USA કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરશે. T20 વર્લ્ડકપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં થવાનું છે અને લગભગ એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે.

તે પહેલા અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. હવે આગામી વર્લ્ડકપને પ્રમોટ કરવા માટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર એક વીડિયો બતાવવામાં આવ્યો, જેમાં વિરાટ કોહલી, જોસ બટલર, શાહીન શાહ આફ્રિદી સહિત ઘણા ક્રિકેટરો જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટાઈમ્સ સ્ક્વેરમાં ટુર્નામેન્ટ, કોન્સર્ટ અથવા મોટી ઈવેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે વિડીયો વારંવાર ચલાવવામાં આવ્યા છે. ટેક્સાસ, ન્યૂયોર્ક અને ફ્લોરિડામાં લોકોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધી રહ્યો છે.

 

 T20 વર્લ્ડકપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝના 6 અને USAના 3 મેદાન પસંદ કરવામાં આવ્યા હતા. USAની વાત કરીએ તો ટી20 વર્લ્ડકપ 2024ની કુલ 16 મેચો ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક અને ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની બાકીની મેચોની યજમાની વેસ્ટ ઈન્ડિઝના 6 મેદાનોને સોંપવામાં આવી છે.

 

ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી કરશે. બંને ટીમોની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હાલમાં ભારતીય ટીમે આ શહેરમાં પોતાનો ટ્રેનિંગ કેમ્પ લગાવ્યો છે. ન્યૂયોર્ક સ્થિત આ મેદાનમાં એક સાથે 34 હજાર લોકો બેસી શકે છે.

ક્રિકેટ પ્રેમીઓ પણ ટી20 વર્લ્ડકપ 2024ને લઈને ઉત્સાહિત છે કારણ કે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ બંને ટીમો ગ્રુપ Aમાં છે અને તેમની ટક્કર 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં થવાની છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ મેચ જોવા માટે આતુર હશે અને બંને દેશો વચ્ચેની હરીફાઈ પણ USAમાં ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપશે.

 

(12:59 AM IST)